Get The App

ગોંડલમાં સગીરને હેરાન કરતા તરૂણ અને માતા-પિતાને બેરહેમ મારપીટ

Updated: Mar 19th, 2025

GS TEAM


Google News
Google News
ગોંડલમાં સગીરને હેરાન કરતા તરૂણ અને માતા-પિતાને બેરહેમ મારપીટ 1 - image


ક્રિકેટ કોચ સહિત ત્રણ શખ્સોએ સરાજાહેર અમાનુષી અત્યાચાર ગુજારતા આક્રોશ પાટીદાર સમાજનો પ્રાંત કચેરીએ મોરચોઃ કલેક્ટર અને એસ.પી. કચેરીએ હલ્લાબોલ કરવાની ચીમકી આપતા બે શખ્સોની ધરપકડ તરૂણ અને તેનો મિત્ર એક સગીરને એક મહિનાથી હેરાન કરતા હોવોથી સબક શીખવવા માર માર્યાનું ખુલ્યું, બન્ને તરૂણ સામે પણ ગુનો દાખલ

 ગોંડલ, :  ગોંડલના કોલેજ ચોકમાં આવેલી સંગ્રામસિંહ હાઈસ્કૂલના મેદાનમાં હનુમાનજી મંદિર પાસે ક્રિકેટ કોચ સહિત ત્રણ શખ્સોએે એક સગીરને ધોકા વડે બેરહેમ માર મારતા ઘેરા પડઘા પડયા છે. આ શખ્સોએ સગીરને બચાવવા  વચ્ચે પડેલા તેના પિતા તથા માતાને પણ માર માર્યો હતો. બનાવ અંગે બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ પોલીસ તપાસમાં ખુલ્યું કે, પીડિત તરૂણ અને તેનો મિત્ર એક સગીરને એક મહિનાથી હેરાન કરતા હતા, જેથી આ તરૂણને શબક શીખવવા ગઈકાલે સાંજે માર માર્યો હતો. જે મામલે આ બન્ને તરૂણો સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ભગવતપરા વિસ્તારમાં રહેતા એક તરૂણને સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં હનુમાનજી મંદિર પાસે મયુરસિંહ દિલીપસિંહ ઝાલા અને તેના ભાઈ દર્શનસિંહ દિલીપસિંહ ઝાલા તથા મિત્ર ક્રિકેટ કોચ મયુરસિંહ જયપાલસિંહ સોલંકીએ ધોકા વડે બેરહેમીથી માર માર્યો હતો. જેથી પીઠ, હાથ, પગમાં ગંભીર ઇજાઓ પંહોચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. આ બનાવ અંગે કન્સ્ટ્રકશનનોે વ્યવસાય કરતા તરૂણના પિતાએ બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ કરીને જણાવ્યુ કે ગત સાંજે મારા દીકરાને મારતા હોવાનો ફોન અમે પતિ-પત્ની બન્ને તુરંત ત્યાં પહોચ્યા હતા. ત્યાં ઘણા લોકો ઉભા હતા અને ક્રિકેટ કોચ મયુરસિંહ સહિતના ત્રણ લોકો લાકડાનાં ધોકા વડે અમારા પુત્રને મારતા હતા. જેમને અટકાવવા જતાં અમને પણ માર માર્યો હતો. મારા પત્નીની ચુંદડી ખેંચીને ધક્કો મારી નીચે પછાડી દઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં વધુ લોકો એકઠા થઇ જતા ત્રણેય હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા. 

બીજી તરફ આ બનાવથી રોષિત બનેલા પાટીદાર સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી 24 કલાકમાં આરોપીઓનેે પકડી પાડવામાં ન આવે તો રાજકોટ એસપી તથા કલેકટર કચેરીએ મોરચો લઇ જઈને હલ્લાબોલ કરવાની ચીમકી આપતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરીને બે શખ્સો મયુરસિંહ દિલીપસિંહ ઝાલા અને તેના ભાઈ દર્શનસિંહ દિલીપસિંહ ઝાલાને ઝડપી લીધા હતા. જ્યારે ક્રિકેટ કોચ મયુરસિંહ જયપાલસિંહ સોલંકીની શોધખોળ હાથ ધરી હતી.

આ ચકચારી ઘટનાનાં કારણ અંગે પોલીસે તપાસ કરતા ખુલ્યું કે, પીડિત તરૂણ અને તેનો મિત્ર એક સગીરને એક મહિનાથી હેરાન કરતા હતા. કોચિંગ ક્લાસમાં જતી વખતે અશ્લીલ ચેષ્ટાઓ કરવા સાથે મારકૂટ કરતા હતા. જેથી આ સગીરે ઘરે વાત કરતા તેના પરિવારજનોએ બન્ને તરૂણ પૈકી એકનો પત્તો લાગી જતાં શબક શીખવવા ગઈકાલે સાંજે સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં પકડીને માર માર્યો હતો અને તેના માતા-પિતા બચાવવા માટે આવતા તેઓની સાથે પણ ઝપાઝપી થઈ ગઈ હતી. જેથી પહેલાની ઘટનામાં પણ આજે પોલીસે તરૂણ અને તેના મિત્ર સામે સગીરને હેરાન કરવા સબબ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

Tags :