રાજકોટના ન્યારી ડેમ પાસે અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત પરાગનું મોત, પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી
Parag die in Car Accident : ન્યારી ડેમ પાસે આઠેક દિવસ પહેલા કારે હડફેટે લેતાં ગંભીર રીતે થવાવેલા પરાગ જેન્તીભાઈ ગોહેલ (ઉ.વ.18, રહે. મોટામવા પાસે, 50 વારિયા ક્વાર્ટર)ને તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદ શનિવારે સાંજે તેણે ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. આ અકસ્માત અંગે તેના શેઠે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હવે તેણે પોલીસે કાર ચાલક નબીરાને બચાવવા માટે બીજા ચાલકને આગળ ધરી દીધાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. જે અંગે હવે તપાસ હાથ ધરવામાં આવી છે.
જે તે વખતે આ અકસ્માત અંગે કેટરીંગનું કામ કરતાં ક્રિશ અમિતભાઈ મેર (ઉ.વ.20, રહે. સિલ્વર એવન્યુ શેરી નં. 3, આત્મીય કોલેજ પાસે)એ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે ગઈ 21 માર્ચના રોજ ન્યારી ડેમ પાસે આવેલા બંગલામાં ફંકશન હતું, જેમાં તે હાજર હતો. જ્યાં આવવા માટે તેને ત્યાં કામ કરતો પરાગ તેનું જ એક્ટિવા લઈ જતો હતો. ત્યારે ધારી ડેમ પાસે તેને કારના ચાલકે હડફેટે લીધો હતો. જાણ થતાં તે સ્થળ પર પહોંચ્યો હતો. ત્યારે ત્યાં અકસ્માત સર્જનાર નેક્સોન કાર પડી હતી.
જેના ચાલકે પોતાનું નામ પ્રવિણસિંહ બચુભા જાડેજા (ઉ.વ.55, રહે. વિષ્ણુવિહાર સોસાયટી શેરી નં.9, યુનિવર્સિટી રોડ) જણાવતાં તેના વિરૂદ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર ઘટનાક્રમ પછી ક્રિશે ગૃહ રાજ્ય મંત્રી, પોલીસ કમિશનર વગેરેને એક અરજી આપી હતી. જેમાં આક્ષેપ કર્યો હતો કે અકસ્માત સર્જનાર નબીરાને બચાવી લેવા માટે પોલીસે ખોટા ડ્રાઇવર સામે કાર્યવાહી શરૂ કરી છે.
અરજીમાં તેણે જણાવ્યું હતું કે અકસ્માત બાદ તે સ્થળ પર પહોંચ્યો ત્યારે કારમાંથી ત્રણ વ્યક્તિ ઉતર્યા હતાં. ડ્રાઈવર સાઈડના દરવાજેથી છોકરો નીકળ્યો હતો. જે પાછળની સીટ ઉપર બેસી ગયો હતો અને પાછળની સીટ ઉર બેઠેલો આધેડ ઉંમરનો માણસ ડ્રાઈવીંગ સીટ ઉપર બેસી ગયો હતો.
જે તે વખતે તાલુકા પોલીસ મથક ખાતે કહેવાતો કાર ડ્રાઇવર પ્રવિણસિંહ હાજર થઈ ગયો હતો. તે વખતે તેણે પોલીસને સ્પષ્ટ કહ્યું કે પ્રવિણસિંહ ગાડી ચલાવતા ન હતા અને તે પાછળની સીટ ઉપર બેઠા હતાં. ડ્રાઇવીંગ સીટ ઉપર લાંબો સરખો છોકરો બેઠો હતો. પરંતુ પીએસઆઈ એસ.પી. ચૌહાણે આ વાત માની ન હતી અને તેની ઉપર ગુસ્સે થઇ કહ્યું કે તમારે ફરિયાદ લખાવી છે કે નહીં, પોલીસ ફરિયાદ લખશે તેમ લખાશે. તેણે વધુ તપાસ કરતાં કાર માલિક તરીકે રાજેશભાઈ મગનલાલ મહેતા (રહે. ભાભા કૃપા, 3-ગીત ગુર્જરી સોસાયટી, એરપોર્ટ રોડ) હોવાનું જાણવા મળ્યું હતું.
આ આક્ષેપો અંગે ઝોન-૨ના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું કે જે તે વખતે ફરિયાદીએ જેનું નામ આપ્યું તેની સામે જ કરિયાદ નોંધવામાં આવી છે. જો ફરિયાદીને બીજો કોઈ ડ્રાઈવર હોવાનું લાગે તો તે રજૂઆત કરી શકે છે. જેના આધારે પોલીસ તપાસ કરશે. કાર ખરેખર કોણ ચલાવતું હતું તે અંગે હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. કાર ચાલક હજુ સ્પષ્ટ થયો ન હોવાથી ધરપકડ સહિતની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી તરફ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા પરાગે શનિવારે સાંજે ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દેતાં તેના પરિવારમાં કલ્પાંત મચી ગયો છે.