જશાપર નજીક બે બાઇક સામસામે અથડતા યુવકનું મોત
- રાણાગઢના બાઇક ચાલક સામે ફરિયાદ
- અકસ્માતમાં સામેના બાઈક ચાલક સહિત ત્રણ વ્યક્તિને ઈજા
સુરેન્દ્રનગર : મુળી તાલુકાના જશાપર ગામના પાટિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવકને ઈજાઓ પહોંચી હતી. જ્યારે સામેના બાઈક ચાલક તેમજ બાઈક પર સવાર વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. જે અંગે ભોગ બનનારે બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મુળીના દિગસર ગામે રહેતા નટુભાઈ રૂપસંગભાઈ ગોહિલનું બાઈક લઈ તેમનો દિકરો યુવરાજસિંહ તેમજ ગામના અજયભાઈ રણછોડભાઈ નાકીયા સહિત બંને બાઈક પર મુળી મંડપ સર્વિસનું કામ જોવા માટે નીકળ્યા હતા.તે દરમિયાન રાત્રીના સમયે જશાપર ગામના પાટિયા પાસે મુળી તરફથી પુરઝડપે આવતા એક બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવરાસિંહના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું તેમજ બાઈક પર સવાર અજયભાઈને પણ પગે, મોઢે તેમજ હોઠના ભાગે ઈજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જનાર બાઈકચાલક કાનજીભાઈ સોમાભાઈ સાપરા તેમજ તેમની પાછળ બાઈક પર સવાર દેવજીભાઈ અમરાભાઈ ભુવાત્રા (બંને રહે.રાણાગઢ, લીંબડી)ને પણ ઈજાઓ પહોંચી હતી. જે મામલે ફરિયાદીએ અકસ્માત સર્જનાર બાઈકચાલક કાનજીભાઈ સાપરા સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.