ગઢડા-બોટાદ રોડ પર આઇશર અને બાઈક અથડાતાં યુવાનનું મોત
- બાઈક ચાલકને ઈજા થતાં હોસ્પિટલે ખસેડાયો
- બંને યુવાનો બાઈક લઈને ભાણેજની ખબર કાઢવા માટે બોટાદ જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ગઢડા તાલુકાના સીતપુર ગામે રહેતા વિઠ્ઠલભાઈ આંબાભાઈ ધરાણી અને રામજીભાઈ સવાભાઈ ધરાજીયા મોટરસાયકલ નંબર જીજે ૧૩ એન ૯૫૧૮ લઈને ભાણેજની ખબર કાઢવા માટે બોટાદ જતા હતા.તેવામાં ગઢડા બોટાદ રોડ પર ગઢડા ગેટ પાસે પહોંચ્યા ત્યારે બોટાદ તરફથી આવી રહેલ આઇશર નંબર જીજે ૩૩ ટી ૫૫૪૧ નાં ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી વિઠ્ઠલભાઈનાં બાઈક સાથે અથડાવી દેતા બંને બાઈક સવારને ગંભીર ઈજા થઈ હતી.બંને ઈજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ગઢડા ની સરકારી હોસ્પિટલે ખસેડયા હતા.જ્યાં રામજીભાઈ સવાભાઈ ધરાજીયાનું મોત નીપજ્યું હતું.આ બનાવ સંદર્ભે વિઠ્ઠલભાઈએ આઇશર ચાલક વિરુદ્ધ ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.