20-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો યુવક પકડાયો
સોમા તળાવ પાસે મોપેડ લઇને ઉભેલા અને 20-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, માંજલપુર કૃષ્ણપુરી સોસાયટીમાં રહેતો રિતેશ ઉર્ફે મોન્ટુ અગ્રવાલ 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ પર સટ્ટો રમે છે. તેણે ઓનલાઇન આઇ.ડી.લીધો છે. હાલમાં તે સોમા તળાવ નજીક એક પેટ્રોલપંપની બાજુમાં આવેલી ગલીમાં આવેલી વિહારકુંજ સોસાયટીના નાકા પાસે મોપેડ લઇને ઉભો છે. પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા રિતેશ ઉર્ફે મોન્ટુ સુરેન્દ્રભાઇ અગ્રવાલ મળી આવ્યો હતો. તેના મોબાઇલ ફોનમાં અલગ - અલગ ટીમોની વિગતો મળી આવી હતી. તેના મોબાઇલમાં હાલનું બેલેન્સ 10,990 લખેલું મળી આવ્યું હતું. ઓનલાઇન સટ્ટો રમવા માટેનો આઇ.ડી. શાસ્ત્રીબાગ કોટિયાર્ક નગરમાં રહેતા રાહુલ શેઠ પાસેથી લીધો હોવાનું તેણે જણાવ્યું હતું. તેણે અઢી લાખ લઇ પાંચ લાખનું બેલેન્સ કરી આપ્યું હતું. જેથી, પોલીસે રાહુલ શેઠની શોધખોળ હાથ ધરી છે. પોલીસે તેની પાસેથી બે મોબાઇલ ફોન,રોકડા 11,100 તેમજ મોપેડ મળીને કુલ રૂપિયા 71,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.