વડોદરામાં નશામાં ચૂર યુવકે સિલિન્ડર વડે વાહનોમાં કરી તોડફોડ, લોકોએ મેથીપાક ચખાડ્યો
Vadodara Crime : વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં આજે સવારે હાથમાં સિલિન્ડર લઈને નીકળેલા યુવકે કાર તેમજ અન્ય વાહનોમાં તોડફોડ શરૂ કરતાં રોષે ભરાયેલા લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો.
ગોત્રી પોલીસ સ્ટેશનથી બંસલ મોલ જતા રોડ પર આજે સવારે વાહનોની અવર-જવર વચ્ચે હાથમાં સિલિન્ડર લઈને નીકળેલા એક યુવકે બેફામ ગાળો ભાંડતા વાહનો ઠપ થઈ ગયા હતા.
નશામાં ચૂર જણાતા માથાભારે શખ્સે એક કાર ચાલક પાસે મોબાઇલ માંગ્યો હતો. કાર ચાલકે શું થયું છે કોઈ, મદદની જરૂર છે, અકસ્માત થયો છે... કેમ પૂછતા માથાભારે યુવકે સિલિન્ડર વડે કારના કાચ તોડ્યા હતા.
ત્યારબાદ બીજા પણ એક વાહનને ટાર્ગેટ કર્યું હતું. યુવકે કારચાલક પર હુમલો કરવા પીછો પણ કરતા તેમજ કેટલાક લોકો પર સિલિન્ડર વડે હુમલાનો પ્રયાસ કરતા રોષે ભરાયેલા લોકોએ તેને પકડીને ટીપી નાખ્યો હતો. બનાવની જાણ ગોત્રી પોલીસને થતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે લઈ જવાયો હતો.