Get The App

જામનગરના નાની ખાવડી ગામે ગળું કાપી યુવકની કરપીણ હત્યા

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
જામનગરના નાની ખાવડી ગામે ગળું કાપી યુવકની કરપીણ હત્યા 1 - image


ગામનો જ શખ્સ હત્યા નિપજાવી ફરાર, સીમમાંથી મળ્યો મૃતદેહ

આરોપીની પત્નીને મૃતક યુવાન પરેશાન કરતો હોવાની શંકાના આધારે હત્યા નિપજાવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું

જામનગર :  જામનગર નજીક નાની ખાવડી વિસ્તારમાં વહેલી સવારે એક યુવાનની નાની ખાવડી ગામના જ એક શખ્સ દ્વારા હત્યા નિપજાવાઈ હતી. આરોપીની પત્નીને મૃતક યુવાન પરેશાન કરતો હોવાની શંકાના આધારે હત્યા નિપજાવાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અને હત્યારા આરોપીને પોલીસ શોધી રહી છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના નાની ખાવડી ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા બલભદ્રસિંહ જાડેજા નામના ૨૧ વર્ષના યુવાનનો આજે સવારે નાની ખાવડી ગામની સીમ વિસ્તારમાં હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની પોલીસને જાણ કરાતાં સિક્કા પોલીસ સ્ટેશનનો કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું છે, અને મૃતદેહ તેના સ્વજનોને સોંપી દીધો છે.  મૃતક યુવાનના ગળાના ભાગે ધારદાર હથીયારનો ઘા ઝીંકી દેવાયો હોવાથી ગરદનનો ભાગ કપાઈ ગયો હતો, અને લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જયારે મૃતદેહની નજીકથી એક કાર મળી આવી હતી.

સિક્કા પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં તપાસ હાથ ધરાયા બાદ પોલીસને એવું જાણવા મળ્યું હતું કે મૃતક યુવાન કે જેને નાની ખાવડી ગામના જ જનકસિંહ ઝાલા સાથે ગઇકાલે રાત્રે તકરાર થઇ હતી. જનકસિંહની પત્નીને મૃતક યુવાન પરેશાન કરી રહ્યો છે. તેવી શંકાના આધારે આજે વહેલી સવારે બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી. ત્યારબાદ જનકસિંહ ઝાલાએ ધારદાર હથિયાર વડે હુમલો કરી હત્યા નીપજાવી ભાગી છૂટયો હતો. ફરાર આરોપી સામે પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે. અને તેની શોધખોળ હાથ ધરી છે. નાની ખાવડી ગામમાં આ બનાવને લઇને ભારે ચકચાર જાગી છે.


Google NewsGoogle News