કૌટુંબીક અદાવત માટે રૂ.35000 માં સરકારી બસ ડ્રાઈવર પાસે રિવોલ્વર ખરીદી પણ બસમાં જ પકડાઈ ગયો
image : Freepik
Vadodara Crime : વડોદરાની પોલિટેકનિક કોલેજ પાસેથી પોલીસને સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાંથી એક યુવક પાસેથી રિવોલ્વર મળી આવી હતી. યુવકે કૌટુંબિક અદાવત માટે રિવોલ્વર ખરીદી હોવાની વિગતો બહાર આવતા પોલીસ ચોકી ઉઠી હતી અને તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
પોલિટેકનિક કોલેજ પાસે પસાર થનારી બસમાં એક યુવક રિવોલ્વર લઈને આગળની સીટમાં બેઠો છે તેઓ મેસેજ મળતા ફતેગંજ પોલીસની ટીમ પોલિટેકનિક કોલેજની આસપાસ ગોઠવાઈ ગઈ હતી. પોલીસે કેસરી કલરની જીએસઆરટીસી ની બસને ચેક કરતા તેમાં બેઠેલા એક યુવકની બેગમાંથી રિવોલ્વર મળી આવી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન યુવકનું નામ વિશ્વજીતસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ અજીતસિંહ પરમાર (યમુના નગર સોસાયટી, સાનિલ સ્કૂલ પાસે, નરોડા, અમદાવાદ) હોવાનું જણાય આવ્યું હતું. તેની પાસે આધારકાર્ડ પણ મળી આવ્યું હતું.
વિશ્વજીતે આ રિવોલ્વર કૌટુંબિક અદાવત માટે વડોદરાથી કેવડિયા તેમજ વડોદરાથી અમદાવાદની સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ ચલાવતા ડ્રાઇવર દિલીપ રાઠવા પાસે રૂ. 35,000 માં ખરીદી હોવાની વિગતો ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.