સિહોર પોલીસ મથકના બીજા માળેથી કુદી યુવકનો આપઘાતનો પ્રયાસ
- મંગળવારે મોડી રાત્રે સિહોર પંથકની સગીરા ભગાડયાનો બનાવ બનવા સંદર્ભે
- સગીરાને ભગાડી ગયાના કેસમાં સગીરાના પરિવારે શંકા વ્યક્ત કરતા યુવકને પુછપરછ માટે સિહોર પોલીસ મથકમાં બોલાવ્યો હતો
ગત રાત્રિના ૧૧ કલાકના અરસામાં સિહોર પંથકની એક ૧૭ વર્ષ ૬ માસની સગીરાને કોઈ અજાણ્યો શખ્સ ભગાડી ગયાના બનાવમાં સગીરાના વાલીએ આજે બપોરે ૧૨.૦૫ કલાકે સિહોર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ પોતાની સગીરવયની દિકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે ભાગાડી ગયા અથવા સગીરા પોતાની જાતે ચાલી ગઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેમજ આ બનાવમાં સગીરાના પરિવારે નરશી પ્રાગજીભાઈ જાદવ (ઉ.વ.૨૬, રહે. સિહોર) નામના શખ્સ સામે શંકા વ્યક્ત કરતા સિહોર પોલીસે શંકાના આધાર પર નરશી પ્રાગજીભાઈ જાદવ નામના શખ્સને પુછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો. જ્યાં યુવકે બપોરે ૧.૦૦ કલાકના અરસામાં સિહોર પોલીસ મથકની અગાશી પરથી કુદી જઈ આપઘાતનો પ્રયાસ કરતા યુવકને ઈજા પહોંચી હતી. જે બાદ સિહોર પોલીસે યુવકને ઈજાગ્રસ્ત હાલતે પહેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર-સિહોર અને બાદમાં ભાવનગર સર ટી.હોસ્પિટલ ખાતે સારવારઅર્થે ખસેડયો હતો. જ્યાં હોસ્પિટલના જુના બિલ્ડિંગમાં યુવકની સારવાર ચાલી રહી હોવાનું પોલીસ મથકેથી જાણવા મળ્યું છે. બીજી તરફ સિહોર પોલીસ મથકમાં યુવકના આપઘાતના પ્રયાસના બનાવે ભારે ચકચાર જગાવી હતી.