નવાગામ પંચાયત ઓફિસનો વીડિયો મુકવાના પ્રશ્ને યુવાન ઉપર હુમલો
કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ
બે વાહનો ઉપર ધસી આવેલા આરોપીઓએ છરી, ધોકા અને પાઈપના ઘા ઝીંકયા
રાજકોટ : નવાગામ (આણંદપર)ની પંચાયત ઓફિસનો વીડિયો મુકવા બાબતનો ખાર રાખી
વિશાલભાઈ મુકેશભાઈ પરમાર (ઉ.વ.ર૬,
રહે. નવાગામ) ઉપર પાંચેક શખ્સોએ પાઈપ,
ધોકા અને છરી વડે હુમલો કર્યાની ફરિયાદ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાઈ છે.
ફરિયાદમાં મુકેશભાઈએ જણાવ્યું છે કે ગઈ તા.૧૦ના રોજ રાત્રે
તે એકટીવા લઈ ઓફિસેથી ઘરે જતો હતો ત્યારે માંધાતા સોસાયટી અને સોમનાથ રેસીડેન્સી
વચ્ચે એક એકટીવા અને બાઈક પર ધસી આવેલા પાંચેય આરોપીઓએ ધોકા, પાઈપ વડે હુમલો
કર્યો હતો. એટલું જ નહીં છરીના ઘા પણ ઝીંકયા હતા.
હુમલા વખતે આરોપીઓએ એવું કહ્યું હતું કે તને પંચાયતના
વીડિયો મુકવાનો બહુ શોખ છે,
બાદમાં ગાળો ભાંડી ઉશ્કેરાઈ જઈ તેની પર હુમલો કર્યો હતો. કુવાડવા રોડ પોલીસે
મિલન રાઠોડ અને ચાર અજાણ્યા શખ્સો સામે ગેરકાયદે મંડળી, હુમલો કરવા
સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.