ચોટીલામાં જુના ઝઘડાનું સમાધાન કરવા બોલાવી યુવાન પર હુમલો
- આરોપીએ છરીના આડેધડ ઘા ઝીંકી યુવાનને ગંભીર ઇજા પહોંચી : એક સામે ગુનો
સુરેન્દ્રનગર : ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ સીએનજી પંપના ગ્રાઉન્ડમાં એક શખ્સને સમાધાન કરવા બાબતે બોલાવી છરી વડે આડેધડ ઘા ઝીંકી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ભોગ બનનાર ફરિયાદીએ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
ચોટીલા શહેરી વિસ્તારમાં રહેતા ફરિયાદી નવાઝભાઈ મહેલાણી વાળાના મીત્રનું બાઈક બંધ થઈ જતા ફરિયાદીને બાઈક શરૂ કરવા માટે બોલાવ્યા હતા. આથી ફરિયાદી બાઈક લઈને જઈ રહ્યાં હતા. તે દરમ્યાન બાઈક સ્લીપ થઈ જતા રસ્તા પર પડી જતા નવાઝભાઈને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જે મામલે નવાઝભાઈએ મિત્ર વિજયભાઈ અશોકભાઈને જાણ કરતા તે પોતાના અન્ય મિત્ર અબ્દુલ ઉર્ફે અફઝલભાઈ કરીમભાઈ મેમણ (રહે.ચોટીલા) સાથે કાર લઈને નવાઝભાઈ પાસે આવ્યા હતા અને નવાઝભાઈને કારમાં બેસાડવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.
જે બાબતનું મનદુઃખ રાખી અબ્દુલભાઈએ ફરી નવાઝભાઈને ચોટીલા રાજકોટ હાઈવે પર આવેલ સીએનજી પંપ પાસે બોલાવી ફરિયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. આથી નવાઝભાઈએ ગાળો આપવાની ના પાડતા અબ્દુલભાઈએ ઉશ્કેરાઈ જઈ નેફામાંથી છરી કાઢી ફરિયાદીને જાનથી મારી નાંખવાના ઈરાદે છરીના આડેધડ શરીર પર ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે ભોગ બનનાર ફરીયાદીએ અબ્દુલ ઉર્ફે અફઝલભાઈ કરીમભાઈ મેમણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.