Get The App

છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો: 'તમારી પત્નીનો જીવ ઘરેણામાં છે, 6 મહિના સુધી માટલામાં રાખવા પડશે'

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
Black-Magic-Superstition


Superstition Case in Babara : કહેવાય છે કે ડૂબતો માણસ બચવા માટે તણખલું પણ પકડે એમ અમરેલી જિલ્લ્લાના બાબરા તાલુકાના તાઇવદર ગામનો યુવાન વિચિત્ર ઘટનામાં છેતરપિંડીનો ભોગ બન્યો છે. પત્નીના મોત બાદ બેચેન રહેતા યુવકને ભાવનગરના એક શખ્સ દ્વારા વિધિ કરવાના બહાને એક મટકામાં પત્નીના ઘરેણાં રાખી અને 6 મહિના પછી ખોલશો એટલે શાંતિ થઇ જશે તેવું નાટક કરી અને ઘરેણાઓ લઇ જઈને છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે બાબરા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બાબરાના તાઇવદર ગામનો  31 વર્ષીય પ્રાઇવેટ નોકરી કરતો યુવક જગદીશભાઈ ઘોહાભાઇ ગોલાણી અંધશ્રદ્ધાના નામે છેતરપિંડીનો ભોગ બન્યો હતો. આ યુવકની પત્નીનું અવસાન થયું હતું. તે કારણે તેમને ખૂબ આઘાત લાગ્યો હતો અને તેઓને શાંતિ માટે મંદિરો તથા આશ્રમોમાં જવું પડતું હતું. આ દરમિયાન તેમની મુલાકાત અમરાપરા પે સેન્ટર પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદિરે ભાવનગરના રહેવાસી નિલેષ વ્યાસ સાથે થઈ હતી. 

નિલેષ વ્યાસ પોતે હોમ હવન અને વિધિ કરે છે. તેમ કહી વિશ્વાસમાં લઇ અને તકલીફ વિષે જણાવતા આ શખ્સ દ્વારા કેટલાક નુસખાઓ જણાવવામાં આવ્યા હતા. અને તેમાં તેણે  13  કુવારીકા બાળાઓને ભોજન કરાવે તો તેના મનને શાંતિ થશે તેમ કહેતા એણે એનુ અનુસરણ કરીને ભોજન કરાવવવા  છતાં કોઇ ફરક ન પડતા તે હતાશ થઈ ગયો હતો. એ પછી ફરી આ વાત કરતા ઠગે બીજો દાવ ખેલ્યો હતો. જેમાં તમારા પત્નીનું સોનાનું ઘરેણું ઘરમાં હોય જેમાં તમારી પત્નીનો મોહ રહી ગયેલ હશે તેવું કહી અને વિધિ કરાવવી પડશે તેવું જણાવ્યું હતું.

એ પછી આ વિધિ પણ કરાવવા તૈયાર થઈ ગયો હતો. અને ગત તારીખ 24 ડિસેમ્બર 2023 ના રોજ  આ વિધિ કરવા માટે ઠગ આવ્યો હતો. તેના ઘરે પત્નીના ઘરેણા બે જોડી બુટી, કાનમાં પહેરવાની સોનાની ચેઈન, ગળામાં પહેરવાનું માંદળીયુ જે તમામ ઘરેણા આશરે 25 ગ્રામ જેની કિંમત 60 હજાર જે વિધિમાં રાખવા એક નાની મટકીમાં રખાવી તેમાં પૂજાની સામગ્રી નાખી હતી.

આ ઉપરાંત એક લીંબુ નાખી અને યુવકને બહારથી સિગારેટ લઈ આવવાનું કહી બહાર મોકલી દીધો હતો. પાછળથી આ મટકીમાં રાખેલ સોનાના ઘરેણા આ ઠગ શખ્સે પોતાના પાસે રાખી લઈને અને મટકા પર કપડું  બાંધી દઈ અને કહેલ કે આ મટકુ તમારે ખોલવાનું નથી 6 મહિના પછી ખોલશો એટલે તમારા મનને શાંતિ થશે. આથી તેણે અનુસરણ કર્યું હતું. એ પછી છ માસ પુરા થઈ જતાં અને માટલું ખોલતા તેમાં ઘરેણા ગાયબ હતા. આથી આ યુવકને વિશ્વાસ ઘાત થયો હોવાની જાણ થતા બાબરા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.



Google NewsGoogle News