જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં વિદ્યાર્થી યુવાન પર બાઈક અથડાવવા જેવી સામાન્ય બાબતમાં હુમલો
Jamnagar Crime : જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં બાઈક લઈને પસાર થઈ રહેલા એક વિદ્યાર્થી યુવાન સાથે બાઈક અથડાવવાના પ્રશ્ને તકરાર કર્યા પછી છ શખ્સોએ માર માર્યો હતો, અને તેના બાઈકમાં તોડફોડ કરી નાખી હોવાથી તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની જૂની પોસ્ટ ઓફિસ પાસે રહેતો કુલદીપસિંહ હરેન્દ્ર સિંહ ઝાલા નામનો 22 વર્ષનો વિદ્યાર્થી યુવાન ગત 13મી તારીખે બપોરે બે વાગ્યાના અરસામાં ખોડીયાર કોલોની રાજ ચેમ્બર્સ પાસેથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન તેણે ટ્રાફિક હોવાના કારણે એકાએક પોતાનું વાહન બ્રેક કરીને ઉભું રાખ્યું હતું.
દરમિયાન પાછળથી બાઈક લઈને આવે રહેલો કિશન ખાંભલા નામનો રબારી શખ્સ ટકરાઈ ગયો હતો, અને તેના વાહનમાં નુકસાની થઈ હતી. જેથી વાહનમાં થયેલી નુકસાની અંગે વિદ્યાર્થી યુવાને વળતર આપી દેવાની વાત કરી હતી. જેમાં પાછળથી આવેલા કિશન રબારી અને તેની સાથે હાજર રહેલા કૈલો નામના શખ્સ સહિત બન્ને એ માથાકૂટ કરી હતી.
ત્યારબાદ તેના અન્ય ચાર સાગરીતોને બોલાવી લીધા હતા, અને તમામ શખ્સોએ વિદ્યાર્થી યુવાનને માર મારી ફરીથી મળશે તો પતાવી દેવાની ધમકી આપી હતી, ઉપરાંત તેના બાઈકમાં પથ્થર વગેરે મારીને તોડફોડ કરી નાખી હતી, અને નુકસાન પહોંચાડ્યું હતું. જે અંગેનો મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે તમામ છ આરોપીઓ સામે હુમલા અને ધાક ધમકી અને તોડફોડ અંગે ગુન્હો નોંધ્યો છે, અને તમામની શોધખોળ હાથ ધરી છે.