જામનગરમાં ગઈ રાત્રે 10,000 રૂપિયાની લેતી દેતીના મામલે રીક્ષા ચાલક યુવાનની હત્યા
Jamnagar Crime : જામનગરમાં હર્ષદમીલની ચાલી પાછળ પટેલ નગરમાં રહેતા રીક્ષા ચાલક યુવાન પર 10,000 રૂપિયાની લેતી દેતીના મામલે તેજ વિસ્તારમાં રહેતા પિતા પુત્રએ છરી વડે હુમલો કરી હત્યા નીપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર જાગી છે. પોલીસે હત્યા અંગેનો ગુનો નોધી ફરાર થઈ ગયેલા આરોપી પિતા પુત્રની શોધખોળ હાથ ધરી છે.
આ હત્યાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હર્ષદ મિલની ચાલી પાછળ પટેલ નગર શેરી નંબર-3 માં રહેતા અને રીક્ષા ચલાવતા સબીર ઉર્ફે સદામ ઇકબાલભાઈ થઇમ નામના 27 વર્ષના સંધિ યુવાન પર ગઈકાલે મોડી રાત્રે જડેશ્વર પાર્ક વિસ્તારમાં છરી વડે હુમલો કરાયો હતો.
હર્ષદ મીલની ચાલીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ચૌહાણ તેમજ નિરંજન સિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણએ ગળાના ભાગે તેમજ છાતીના ભાગે છરીના બે ઘા જીકી દઇ બન્ને આરોપીઓ ભાગી છૂટ્યા હતા. જે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવાય તે દરમિયાન માર્ગમાં જ તેનું મૃત્યુ નીપજ્યું હતું, અને બનાવ હત્યામાં પલટાયો હતો.
આ ઘટનાની જાણ થતાં મોડી રાત્રે જામનગર શહેર વિભાગના ડી.વાય.એસ.પી જે.એન.ઝાલા, પીઆઇ નિકુંજ ચાવડા તેમજ અન્ય પોલીસ કાફલો બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલે દોડી ગયો હતો. આ હત્યાના બનાવવા અંગે મૃતક રીક્ષા ચાલક સબીરની પત્ની અક્ષાબેન શબીરભાઈ સંધિએ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પતિ સબીરભાઈની હત્યા નીપજાવવા અંગે નિરંજનસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ અને ધર્મેન્દ્રસિંહ ચૌહાણ નામના પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103 (1), 54, જી પી એફ કલમ 135 મુજબ છે અને બંને ફરાર થઈ ગયેલા આરોપી પિતા પુત્રની શોધ ખોળ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૃતક સબીરભાઈએ આજથી થોડા દિવસ પહેલા જયરાજસિંહ દરબાર નામના અન્ય એક રીક્ષા ચાલકને 10,000 રૂપિયા હાથ ઉછીના આપેલા હતા, જે રકમ પરત આપવા માટે ગઈકાલે મૃતક યુવાનને બોલાવ્યો હતો.
જે દરમિયાન રસ્તામાં જડેશ્વર પાર્ક વિસ્તારમાં આરોપી પિતા પુત્ર ભેગા થઈ ગયા હતા, અને અને મૃતક યુવાન તથા જયરાજસિંહ વચ્ચે પૈસાની લેતી દેતીના મામલે બંનેએ તકરાર કરી હતી, અને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.જે બંને આરોપીઓને પોલીસ શોધી રહી છે.