ખેડા અને આણંદ જિલ્લાના યુવક -યુવતી અમેરિકાથી ડિપોર્ટ કરાયા
- આણંદના પેટલાદની શિવાની ગોસ્વામી પણ ડિપોર્ટ
- મૂળ ગાંધીનગરના માણસા અને હાલ નડિયાદના મંજીપુરા પાસે રહેતા પરિવારનો સ્મિત પટેલ ડિપોર્ટ
મળતી માહિતી મૂજબ, સ્મિત પટેલ નામનો યુવક ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસી ગયો હતો. અનેક ભારતીયો ગેરકાયદે રીતે અમેરિકામાં પહોંચી અને ત્યાં વસવાટ કરે છે. અમેરીકામાં સરકાર પલટાયા બાદ ટ્રમ્પ નવા પ્રમુખ બન્યા છે. ત્યારે આ વખતે આવા ગેરકાયદે રીતે અમેરિકામાં રહેતા ભારતીયો સામે કાર્યવાહી આરંભી હકાલપટ્ટી કરવામાં આવી રહી છે. જેમાં ૩૩ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. તેમાં આ સ્મિત પટેલ મૂળ ગાંધીનગરના માણસાનો છે, પરંતુ તેનો પરીવાર વર્ષોથી નડિયાદના મંજીપુરા નજીક સ્થાયી થયો હતો. અગાઉ નડિયાદની એક સોસાયટીમાં આ પરીવાર રહેતો હતો. હાલ મંજીપુરા નજીકની રોયલ રેસીડન્સીમાં આ પરીવાર રહે છે. સ્મિત પટેલની હકાલપટ્ટી બાદ તે મોડી રાતે પહેલા પંજાબ અને તે બાદ અમદાવાદ પહોંચશે.
ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાં આણંદ જિલ્લાના પેટલાદની શિવાની પ્રકાશગીરી ગોસ્વામીનો પણ સમાવેશ થાય છે. ૨૭ વર્ષની શિવાની વર્ષો અગાઉ અમેરિકા ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
પેટલાદ તાલુકાના ગોસ્વામી સમાજના અગ્રણીઓ દ્વારા આ પરિવાર અંગે કોઈ માહિતી મળી શકી હતી નહીં. હાલ યુવતી પંજાબના અમૃતસર એરપોર્ટ ઉપર પોલીસની નીગરાની હેઠળ રાખવામાં આવી છે. ગુરૂવારે ત્યાંથી ગુજરાત આવવા રવાના થશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળે છે. બાદમાં જ યુવતીનો પરિવાર ક્યાં રહે છે એ સંદર્ભે માહિતી મળી શકશે.