પાંડેસરાના ગાંધીકુટીર ખાડી બ્રિજ નીચેથી યુવાનની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી
યુવાનને ગળામાં, જમણા પગના જાંઘના ભાગે, પેટની નીચે, છાતીમાં ચકામાના નિશાન મળ્યા
જમણા હાથનો અંગુઠો અગાઉથી જ કપાયેલો
- યુવાનને ગળામાં, જમણા પગના જાંઘના ભાગે, પેટની નીચે, છાતીમાં ચકામાના નિશાન મળ્યા
- જમણા હાથનો અંગુઠો અગાઉથી જ કપાયેલો
સુરત, : સુરતના પાંડેસરા ગાંધીકુટીર ખાડી બ્રિજ નીચેથી પસાર થતા રોડ પરથી ગત સવારે 30 થી 35 વર્ષના અજાણ્યા યુવાનની ગળું દબાવી હત્યા કરી ફેંકી દીધેલી લાશ મળતા પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એક રાહદારી મનોજ પટેલ ગત સવારે 9.30 વાગ્યાના અરસામાં નોકરીએ જતો હતો ત્યારે પાંડેસરા ગાંધીકુટીર ખાડી બ્રિજ નીચેથી પસાર થતા રોડ પર એક યુવાન ઊંધો પડેલો હતો.મનોજે તેની પાસે જઈ જોયું તો તેના નાકમાંથી લોહી નીકળતું હતું.યુવાનનો અકસ્માત થયો હશે તેમ માની મનોજે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તે દોડી આવી હતી અને તેને મૃત જાહેર કરતા આ અંગે પોલીસને જાણ કરાઈ હતી.સ્થળ પર પહોંચેલી પાંડેસરા પોલીસે તપાસ કરતા યુવાનને ગળાના ભાગે ચકામાંના નિશાન હતા અને ડાબી આંખમાં ઈજા થઈ હતી.સફેદ શર્ટ, તેની નીચવા હાફ બાંયનું બ્લ્યુ ટીશર્ટ, બ્લ્યુ પેન્ટ, કાળા મોજા પહેરેલા 30 થી 35 વર્ષના યુવાનના પગમાં પગરખાં નહોતા.
પોલીસે વધુ તપાસ કરતા તેના જમણા પગના જાંઘના ભાગે, પેટની નીચે ડાબી તરફ, છાતીના ઉપરના ભાગે ચકામાંના નિશાન મળ્યા હતા.તેના પગની આંગળી ઘસાવાને લીધે ફાટી ગઈ હતી.જયારે જમણા પગના અંગુઠા પર પણ ઘસરકો હતો.તેનો જમણા હાથનો અંગુઠો અગાઉથી જ કપાયેલો હતો.પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા તેનું ગળું દબાવતા ગૂંગળામણથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.આથી પાંડેસરા પોલીસે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.પોલીસને આશંકા છે કે યુવાનની હત્યા અન્ય સ્થળે કરી તેની લાશ અહીં ફેંકવામાં આવી છે.પોલીસને મહત્ત્વની કડી હાથ લાગી હોવાનું જાણવા મળ્યું છે.વધુ તપાસ પીઆઈ એન.કે.કામળીયા કરી રહ્યા છે.