Get The App

જમીનની લેતી દેતીના રૃપિયા ૧૦ લાખ માંગી યુવાનનો હાથ તોડયો

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
જમીનની લેતી દેતીના રૃપિયા ૧૦ લાખ માંગી યુવાનનો હાથ તોડયો 1 - image


દહેગામ, નરોડા હાઇવે પર

પરિવાર સાથે નીકળેલા યુવાનની ગાડી આંતરીને ત્રણ શખ્શે ધમકાવી લાકડીથી હુમલો કરતાં લોકો ટોળે વળ્યાં

ગાંધીનગર :  દહેગામ નરોડા રોડ પરથી પરિવાર સાથે પસાર થઇ રહેલા યુવાનની ગાડીને પરઢોલ ગામના પાટિયા પાસે આંતરીને ત્રણ શખ્શે ખુન કરી નાંખવાની ધમકી આપીને લાકડી વડે હુમલો કરી યુવાનનો હાથ તોડી નાંખ્યો હતો. આ બનાવના પગલે લોકો ટોળે વળ્યાં હતાં. યુવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જમીનના વેચાણ સંબંધેની રૃપિયા ૧૦ લાખની લેતી દેતી બાદ નાણા આપવામાં મોડુ થતાં હુમલો કરાયો હતો.

ડભોડા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે દહેગામ તાલુકાનાં નાંદોલ ગામે રહેતા અને ઝાક જીઆઇડીસીમાં આવેલી ફેકટરીમાં ઓપરેટરનું કામ કરતા સંદિપ જીવાભાઇ રબારીની માતા અને ત્રણ માસીઓને પિયર તરફે વારસામાં મળેલી કઠવાડા ગામે આવેલી વારસાઇ જમીન ચંદીસર ગામે રહેતા લાલભાઇ રબારીને વેચાણથી આપી હતી. અને તેનાં જંત્રીના રૃપિયા ૧૦ લાખની રકમ આરોપી લાલભાઇએ ફરિયાદી સંદિપની માતાનાં બેંક ખાતામાં નંખાવ્યા હતાં. જે બેંકમાંથી ઉપાડીને તેને પરત આપવાના હતાં. પરંતુ ફરિયાદી લગ્ન પ્રસંગોમાં રોકાયેલો હોવાથી તે કામ થયુ ન હતું. પરિણામે આરોપી ફોન કરીને ધમકાવતો હતો. દરમિયાન સંદિપ તેના માતા, પિતા, પત્ની અને પુત્રને લઇને જઇ રહ્યો હતો. ત્યારે રોંગસાઇડમાંથી ગાડી લઇને આવી આંતરીને પહેલાં ફરિયાદીની પત્નીને ગાડીમાંથઈ નીચે ઉતારી હતી. તેથી સંદિપ પણ નીચે ઉતર્યો ત્યારે આરોપીએ હુમલો કર્યો હતો અને તેની સાથેના બે અજાણ્યા શખ્સોએ ગાળો દઇને ધમકી આપી હતી. 


Google NewsGoogle News