પરિણીત મહિલાના પ્રેમમાં પડેલા યુવકે મચાવી ધમાલ : ભાજપ નેતા અને પોલીસ અધિકારીઓ સાથે છે ફોટા
image : Social media
Vadodara : 40 વર્ષની પરિણીતાના પ્રેમમાં પડેલા 24 વર્ષના યુવકે તેના ઘરમાં ઘૂસી જઇ ધમાલ કરી હતી. પરિણીતાએ સંબંધ રાખવાની ના પાડતા ઉશ્કેરાયેલા યુવકે મહિલાનું ગળુ દબાવી શારીરિક છેડછાડ કરી હતી. જે અંગે સમા પોલીસે ગુનો દાખલ કરી યુવકને ઝડપી પાડયો છે.
પોલીસ કહે છે કે આ યુવાન કોઈ કામ ધંધો કરતો નથી પરંતુ તેના ફેસબુક એકાઉન્ટ પર રેડી ફ્યુઅલ નામના ખાનગી કંપનીના પેટ્રોલ પંપ પર ફરજ બજાવે છે અને તેની ધરપકડ પણ પેટ્રોલ પંપ પરથી કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ યુવક ભાજપના અગ્રણીના પરિવારના સભ્યોના પેટ્રોલ પંપ પર કામ કરે છે તેવી માહિતી બહાર આવી છે. ત્યારે પોલીસે આ સમગ્ર બાબત છુપાવી હોવાનું જાણવા મળે છે.
પતિ, બે સંતાનો અને સાસુ સાથે રહેતી 40 વર્ષની પરિણીતાનો સંપર્ક થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર 24 વર્ષના સ્મિત કલ્પેશભાઈ શાહ (રહે. પ્રતિમા સોસાયટી, વાઘોડિયા રોડ) સાથે થયો હતો. બંને સોશિયલ મીડિયા પર એકબીજાના સંપર્કમાં હતા. યુવક પ્રેમસંબંધ માટે જીદ કરતો હતો. પરંતુ, પરણીતા ના પાડતી હતી.
રવિવારે રાતે યુવક પરિણીતાના ઘરે પહોંચી ગયો હતો. ઘરમાં પરિણીતા અને તેના સાસુ એકલા જ હતા ત્યારે યુવકે પરિણીતાને પ્રેમસંબંધ રાખવા માટે જીદ શરૂ કરી હતી. પરંતુ, પરિણીતાએ ના પાડતા સ્મિતે ઉશ્કેરાઈને તેનું ગળું પકડી લીધું હતું. સ્મિત એટેલથી અટક્યો નહતો, તેણે પરિણીતાને શારીરિક અડપલા કર્યા હતા. પરિણીતાએ છૂટવા માટે પ્રયાસ કરતા સ્મિતે તેને પકડીને ધક્કો મારી દીવાલ સાથે અથડાવી હતી.
પરિણીતા નીચે પડી જતા તેણે માર માર્યો હતો. તેમજ પરિણીતાનો મોબાઈલ ફોન ઝૂંટવીને તે ભાગી ગયો હતો. જે અંગે પરિણીતાએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પી.આઇ. બી.બી.કોડિયાતરે સ્મિતને ઝડપી પાડી મોબાઈલ ફોન કબજે કર્યો હતો. પરિણીતા ઘરકામ કરે છે. જ્યારે તેના બે સંતાનો અભ્યાસ કરે છે. તેના પતિ ધંધો કરે છે. જ્યારે સ્મિત હાલમાં કોઈ કામ ધંધો કરતો નથી. તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ અંગે જાણવા મળતી માહિતી પ્રમાણે સ્મિત શાહે પોતાના ફેસબુક એકાઉન્ટ પર રેડી ફ્યુઅલમાં નોકરી કરે છે તેમ લખેલું છે. જ્યારે સોશિયલ મીડિયા પર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી અને વાઘોડિયા રોડના ભાજપના એક અગ્રણી સાથેના ફોટોગ્રાફ પણ મુકેલા છે. જ્યારે પોલીસે તેની ધરપકડ વાઘોડિયા રોડ સ્થિત એક પેટ્રોલ પંપ પરથી કરી હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસે આ યુવક કોઈ કામ ધંધો કરતો નથી તેવી માહિતી જાહેર કરી છે.