ટાર્ગેટની લ્હાયમાં યુવકને આપી હતી 500 રૂપિયાની લાલચ, પત્નીની મંજૂરી ફરજિયાત છતાં પોલંપોલ
Mehsana Sterilization Scam : અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ દર્દીઓની જાણ બહાર સ્ટેન્ટ મૂકી દેવાનુ સુવ્યવસ્થિત કૌભાંડ હજુ શમ્યુ નથી. એક પછી એક ખુલાસા થઇ રહ્યાં છે ત્યાં હવે નસબંધી કાંડ બહાર આવ્યું છે. સમગ્ર રાજ્યમાં કુંટુબ નિયોજન પખવાડિયાની ઉજવણી થઇ રહી છે, ત્યારે મહેસાણા જીલ્લાના નવી શેઢાવીના એક કુંવારા યુવકની જાણ બહાર નસબંધી કરી દેવાઇ હતી. આ યુવકને એક મહિના પછી લગ્ન થવાના હતાં ત્યારે મજૂરીની લાલચમાં આપી સરકારી હોસ્પિટલમાં નસબંધી કરી દેવાઇ હતી. આ ઘટનાને પગલે ફરી એક વાર આરોગ્ય વિભાગ શંકાના ઘેરામાં આવ્યુ છે.
રાજ્યમાં ઘણી આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં છે. જોકે, નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે આરોગ્ય કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવે છે જેના કારણે સરકારી અધિકારીઓ અવનવા પેતરા રચે છે જેમાં નિર્દોષ લોકો ભોગ બને છે. આવુ જ કઇંક મહેસાણા જીલ્લાના નવા શેઢાવી ખાતે બન્યુ છે.
આ ગામમાં 30 વર્ષિય યુવક ગોવિંદ અમરતભાઇ દંતાણી પોતાની બહેન-બનેવીની સાથે ખેતરમાં રહેતો હતો. આ ઘટના વિશે નવી શેઢાવીના પૂર્વ સરપંચ પ્રહલાદજી ઠાકોરે જણાવ્યું કે, બે દિવસ અગાઉ એક આરોગ્ય કર્મચારી ખેતરમાં આવીને ગોવિંદને કહ્યું હતુંકે, ખેતરમાં લીંબુ-જામફળ વિણવાના છે. રોજના રૂા.500 મજૂરી આપીશ. આવી લાલચ આપીને ગોવિંદને ગાડીમાં બેસાડીને લઇ જવાયો હતો. રસ્તામાં રૂા.100નો દારુ પીવડાવીને સરકારી એમ્બ્યુલન્સમાં બેસાડીને અડાલજની સરકારી હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં જ નસબંધીનું ઓપરેશન કરી દેવાયુ હતું. બીજા દિવસે ગોંવિદ દંતાણીને આરોગ્ય કર્મચારી ખેતરમાં મૂકી ગયા હતાં. ત્યાં સુધી આ વાતનો કોઇ અણસાર સુઘ્ધાં ન હતો.
આ પણ વાંચો: મહેસાણા જિલ્લામાં સાત ગુલ્લીબાજ ડૉક્ટરોને નોટિસ, આરોગ્ય કેન્દ્રોમાં CDHOનું સરપ્રાઈઝ ચેકિંગ
મૂળ ઝુલાસણ ગામના આ યુવકનું કહેવુ છેકે, ઓપરેશનના બીજી દિવસે મૂત્રાશયમાં દુખાવો થયો ત્યારે આખીય વાતનો ભાંડો ફૂટ્યો હતો. બારોબાર નસબંધીના ઓપરેશન માટે પણ આરોગ્ય વિભાગે ટાર્ગેટ આપતાં આ ઘટના બની હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ધનાલી ગામના એક આરોગ્ય કર્મચારીએ ગોવિંદ દંતાણીને અડાલજની સરકારી હોસ્પિટલમાં લઇ જઇને નસબંધીના ઓપરેશન માટે ફોર્મ પર અંગૂઠો પણ લીધો હતો. હવે જ્યારે આ ઘટના ચર્ચાનો વિષય બની છે ત્યારે રાજ્ય આરોગ્ય વિભાગ પણ દોડતુ થયુ છે.આ તરફ પીડીત યુવકને ન્યાય મળે તે માટે ગ્રામજનોએ દોડધામ મચાવી છે.
નસબંધીના ઓપરેશનમાં પત્નીની મંજૂરી ફરજિયાત છતાં પોલંપોલ
નેશનલ મેડિકલ કમિશને ડોક્ટર માટે બાહર પાડેલી ગાઇડલાઇનના નિયમો પૈકી નસબંધીને લગતો એક મહત્વનો નિયમ છે. જેમાં, પુરુષોની નસબંધીના ઓપરેશન હોય તો પત્નિની મંજૂરી લેવી ફરજિયાત છે. ફોર્મમાં પુરુષની પત્નીની સહી લેવી જરૂરી છે. જો દંપતી પૈકી એક પણ વ્યક્તિ નસબંધી માટે ના પાડશે તો એ ઓપરેશન થઈ શકશે નહીં.
આમ છતાંય આરોગ્ય કર્મચારીઓએ બધાય નિયમોને નેવે મૂકીને પરિણિત નહીં, પણ કુંવારા યુવકની નસબંધી કરી દીધી હતી. આમ, રાજ્ય આરોગ્ય વિભાગમાં કેટલી હદે લોલંલોલ ચાલી રહ્યુ છે તે આ ઘટના પરથી પુરવાર થાય છે.
કસૂરવાર વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી થશે
કુંવારા યુવકની જાણ બહાર નસબંધી કરી દેવાનો કિસ્સો બહાર આવ્યો છે ત્યારે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત કસૂરવાર આરોગ્ય કર્મચારી સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં સૂચના આપવામાં આવી છે. આ ઘટનામાં જવાબદાર આરોગ્ય કર્મચારીને સસ્પેન્ડ પણ કરવા તૈયારી કરાઇ છે.
મહેસાણામાં 175 નસબંધી કરવા ટાર્ગેટ આપ્યો પણ 28 ઓપરેશન જ થયાં
રાજ્યમાં 24 નવેમ્બરથી .4 ડિસેમ્બર સુધી કુટુંબ નિયોજન પખાડિયાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દરેક જિલ્લાને રાજ્ય આરોગ્ય વિભાગે ટાર્ગેટ આપ્યો હતો. મહેસાણા જિલ્લામાં કુલ મળીને 175 પુરુષોની નસબંધી કરવા ટાર્ગેટ આપ્યો હતો પણ માત્રને માત્ર 28 જ નસબંધીના ઓપરેશન થઇ શક્યા હતાં. આ ટાર્ગેટ પૂરો કરવા રાજ્ય-જીલ્લા આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ અખતરાં કરે છે. એટલુ જ નહીં, કોઇને કોઇ લાલચ આપીને નસબંધીના ઓપરેશન કરવામાં આવી રહ્યા છે તેવી હવે ફરિયાદો ઉઠી છે.
અત્રે ઉલ્લેખનીય ભારતમાં 1970ના દાયકામાં મોટા પાયે નસબંધી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાનને લઈને ઘણો વિવાદ થયો હતો અને માનવાધિકારોના ઉલ્લંઘનના આરોપો પણ લગાવવામાં આવ્યા હતા.