જામનગરમાં પૈસાની લેતી દેતી ના મામલે એક યુવાન પર છરી વડે હુમલો : ત્રણ સામે ફરિયાદ
Jamnagar Crime : જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં એક યુવાન પર પૈસાની લેતી લેતી ના મામલે છરી વડે હુમલો કરાયો છે. જે મામલે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાંથી પસાર થઈ રહેલા નાઘેડીના રહેવાસી ધર્મેન્દ્રસિંહ પ્રાગજી રાઠોડ નામના 23 વર્ષના યુવાન પર પૈસાની લેતી લેતી ના મામલે હાર્દિક ડાંગર, નીતિન સિંગરખીયા અને ઈરફાન નામના ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની અને જો પોલીસ ફરિયાદ કરવા જશે તો જાનથી મારી નાખશે, તેવી ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ધર્મેન્દ્રસિંહે આરોપી હાર્દિક પાસેથી રૂપિયા 25,000 હાથ ઊંચી ના લીધા હતા, અને તે પરત આપી દીધા હતા. તેમ છતાં પૈસાની માંગણી કરાતાં ઝઘડો થયો હતો, અને તેનું મન દુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જયારે હુમલાખોર ત્રણેય આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.