ભર બપોરે વાડીમાં યુવાનનો પીછો કરી છરીના ઘા ઝીંકી દીધા
મહિલાની છેડતીની શંકા રાખી ચાર આરોપીઓએ હુમલો કર્યો
વડોદરા,વાડીમાં ભરબપોરે રિયલ એસ્ટેટનો ધંધો કરતા શખ્સ પર છેડતીની આશંકા રાખી ચાર આરોપીઓએ હુમલો કર્યો હતો. એક હુમલાખોરે છરીના ઘા ઝીંકી દીધા હતા. જ્યારે બીજાએ માથામાં સળિયો મારી વેપારીને લોહીલુહાણ કરી દીધો હતો.
વાડી બુરહાની એપાર્ટમેન્ટમાં રહેતા આરીફભાઇ ઇબ્રાહિમભાઇ મિસ્ત્રી રિયલ એસ્ટેટનો ધંધો કરે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે હું મારા મિત્રનું મોપેડ લઇને ફેમિલી ડોક્ટર પાસે દવા લેવા માટે જતો હતો. તે દરમિયાન યાસીનખાન પઠાણ માર્ગ પર પોણા બાર વાગ્યે અબરાર સ્ટોરની સામે આવતા નઇમ અહેમદભાઇ અનસારી ગાડી પર બેઠો હતો. ગાડી પરથી નીચે ઉતરીને મારી પાસે આવી મને ઉભો રાખી ફેંટો મારવા લાગ્યો હતો. મેં તેને પૂછ્યું કે, તું ક્યું મેરે કો માર રહા હૈ ? તેણે કહ્યું કે, તું લેડિઝ કો છેડ રહા હૈ ઔર હેરાન કરતા હૈ. મુજે એસા શખ હે. તેણે મારી સાથે વધુ ઝપાઝપી કરી હતી. કમરના આગળના ભાગેથી છરી કાઢી તે મારા મોંઢા પર મારવા જતો હતો. મેં બચવા માટે જમણો હાથ અદ્ધર કરતા મને કોણીના ભાગે ઇજા થઇ હતી. તેનાથી બચવા માટે હું ભાગ્યો હતો. પરંતુ, નઇમ મારી પાછળ દોડયો હતો. હું આગળ જઇને પડી જતા નઇમે મને કમરના જમણા ભાગે છરીના બે તથા પાંસળીની ડાબી બાજુ એક ઘા મારી દીધા હતા. નજીકમાં ઉભેલા સૈયદે મને વધુ મારમાંથી બચાવ્યો હતો. હું ફરીથી ઉભો થઇને દોડવા લાગ્યો હતો. તે દરમિયાન સલીમ અનસારી પણ રોડ પર ઉભો હોઇ તેણે પણ મને માર માર્યો હતો. મારામારીના પગલે એકત્ર થયેલી ભીડમાંથી બે હુમલાખોરોએ દોડી આવી મને માથામાં સળિયો મારી દીધો હતો. જ્યારે બીજાએ ફેંટો મારી હતી. આજુબાજુના લોકોએ દોડી આવી મને બચાવ્યો હતો.