એકતરફી પ્રેમમાં પરિણીતાને ઘેર જઇ ખૂની હુમલો કરનાર યુવક જેલમાં ધકેલાયો,હત્યાના પ્રયાસની કલમ ઉમેરાઇ
વડોદરાઃ બે સંતાનની માતાના એકતરફી પ્રેમમાં પડેલા યુવકે મહિલાનું ગળું દબાવીને હુમલો કરતાં સમા પોલીસના ઇન્ચાર્જ પીઆઇએ તેની સામે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કર્યો છે.
બનાવની વિગત મુજબ,૪૦ વર્ષની પરિણીતા એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર ૨૪ વર્ષના સ્મિત કલ્પેશભાઇ શાહ (રહે. પ્રતિમા સોસાયટી, વાઘોડિયા રોડ) સાથે સંપર્કમાં આવી હતી.બંને જણા સોશ્યલ મીડિયા પર એકબીજાના સંપર્કમાં હતા અને પ્રેમસબંધ માટે જિદ કરતો યુવકનો પરિણીતાએ વિરોધ પણ કર્યો હતો.
જેથી બે દિવસ પહેલાં રાત્રિના સમયે મહિલા અને તેના સાસુ ઘેર એકલા હતા ત્યારે યુવક ધસી આવ્યો હતો અને પ્રેમસબંધ માટે મહિલાએ ઇનકાર કરતાં સ્મિતે તેનુનં ગળું પકડી લઇ શારીરિક છેડછાડ કરી હતી તેમજ તેનું માથું દીવાલ સાથે અફાળ્યું હતું. મહિલા નીચે પડી જતાં તેને માર માર્યો હતો અને તેનો મોબાઇલ આંચકી ભાગી ગયો હતો.
સમા પોલીસના ઇન્ચાર્જ પીઆઇ બી બી કોડિયાતરે આ ગુનામાં સ્મિતની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.ભાજપના આગેવાનો સાથે સંપર્કો ધરાવતા સ્મિત સામે હત્યાના પ્રયાસની કલમ પણ ઉમેરવામાં આવી છે.