Get The App

મહેસાણામાં બોક્સિંગ સ્પર્ધામાં બ્રેઇન હેમરેજથી મોટા વરાછાના યુવાનનું મોત

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
મહેસાણામાં બોક્સિંગ સ્પર્ધામાં બ્રેઇન હેમરેજથી મોટા વરાછાના યુવાનનું મોત 1 - image


Brain hemorrhage : મહેસાણા ખાતે યોજાવામાં આવેલી ગુજરાત સ્ટેટ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં રમવા ગયેલા મોટા વરાછાના 19 વર્ષીય કોલેજીયનનું બ્રેઇન હેમરેજથી મોત થયું હતું. સ્પર્ધામાં મુકાબલા બાદ તેને સીવી સ્ટ્રોક આવ્યો હતો.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મોટા વરાછામાં અબ્રામા રોડ નંદ ચોક પાસે વૈકુંઠ રેસીડન્સીમાં રહેતો 19 વર્ષીય કરણકુમાર ભરતભાઇ પીપાળિયા શુક્રવારે રાતે મહેસાણા ખાતે યોજાયેલી સ્ટેટ બોક્સિંગ ચેમ્પિયનશિપ રમવા ગયો હતો. જોકે શનિવારે બપોરે કરણકુમારનો સુરતના એક યુવાન સાથે મુકાબલો થયા બાદ કરણકુમાર અચાનક ઢળી પડયો હતો. તેને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં મગજની સર્જરી કરાઇ હતી. 

બાદમાં મહેસાણાથી વધુ સારવાર માટે  સુરતમાં લાલદરવાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સોમવારે ડોકટરોએ બ્રેઇનડેડ જાહેર કર્યા બાદ મોત થયું હતું. સ્મીમેર હોસ્પિટલ ખાતે તેનું પોસ્ટમોર્ટમ થયા બાદ ડોકટરે કહ્યું કે, તેને બ્રેઇન હેમરેજ થવાથી મોત થયુ હતુ. તેને સીવી સ્ટ્રોક આવ્યો હતો. 

કરણકુમારનો પરિવાર મુળ ભાવનગરમાં ગારીયાધર તાલુકાના મોટા ચારોડીયાગામનો વતની છે. તે બારડોલીની કોલેજમાં બી. ટેકમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેનો એક નાનો ભાઇ છે. તેના પિતા પ્રાઇવેટ નોકરી કરે છે.  તેના મોતને લીધે તેમના પરિવારજનો પર આભ તુટી પડયું હતું.


Google NewsGoogle News