ખોટી ઓળખ આપી પોર્ટુગલ સિટીઝનશિપ મેળવવા ગયો યુવક, ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો
Valsad News: વલસાડમાં રહેતા યુવકે ભારતીય વિઝા મેળવવા અને પોર્ટુગલની સીટીઝનશીપ મેળવવા માટે ફોરેન રીજનલ રજીસ્ટ્રેશન ઓફિસમાં અરજી કરી હતી. જો કે અધિકારીઓને શંકા જતા તપાસ કરી ત્યારે યુવકનો ભાંડો ફુટ્યો હતો અને જાણવા મળ્યું હતું કે તેના મૃત પિતરાઈ ભાઈના નામનો ઉપયોગ કરીને તેણે પોર્ટુગલની સીટીઝનશીપ લેવા માટે પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
નવરંગપુરામાં આવેલી ફોરેન રીજનલ રજીસ્ટ્રેશન ઓફિસમાં ઈમીગ્રેશન અધિકારી તરીકે ફરજ બજાવતા ઈશીતા ઠક્કરે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે ગત સાતમી જાન્યુઆરીએ મયુર ટંડેલ (વલસાડ) નામના યુવકે ભારતીય વિઝા મેળવવા માટે અરજી કરી હતી. જે અનુસંધાનમાં મંગળવારે તે વિઝા માટે ઓફિસ પર આવ્યો હતો.
આ પણ વાંચો: ખ્યાતિકાંડ અંગે ગુજરાત મેડિકલ કાઉન્સિલનો મોટો નિર્ણય, આખરે બે ડૉક્ટરના લાઈસન્સ સસ્પેન્ડ
અધિકારીઓ તેની પાસે ભારતીય પાસપોર્ટ કેન્સલ કરવા માટેના ડોક્યુમેન્ટ માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. જેથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેનું સાચુ નામ કરણ ટંડેલ છે અને તે દમણ ખાતે રહે છે. તેણે અગાઉ ભારતીય પાસપોર્ટ કઢાવ્યો હતો. જે એક્પાયર થતા તેણે પોર્ટુગલ પાસપોર્ટ મેળવવા માટે તેના મૃતક પિતરાઈ ભાઈ મયુરનું નામ ધારણ કર્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.