ગામના જ યુવાનોએ મોજશોખ પૂરા કરવા પોતાની જ કુળદેવીના મંદિરમાં ચોરી કરી
અંજારના સુગારીયા ગામના 6 મંદિરોના એક સાથે તાળાં તૂટયા
ગાંધીધામ: ધામક સ્થાનો જ્યાં લોકો પોતાની શક્તિ મુજબ દાન આપતા હોય ચ્હે તેવી જગ્યાઓએ ખાસ કરીને કચ્છમાં ચોરીઓ થવા લાગી છે. પહેલા અંજારમાં અને બાદમાં વાગડમાં પણ આવા જ બનાવો બન્યા હતા. જેમાં પોલીસે મહામહેનતે આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં બહારથી આવેલા ઈસમોએ મંદિર ચોરીઓને અંજામ આપ્યો હતોવાનું ખૂલ્યું હતું. પરંતુ અંજાર તાલુકાનાં સુગારીયા ગામે તો ગામના જ ૨ યુવાનોએ માત્ર પોતાનો મોજશોખ પૂરો કરવા પોતાની કુળદેવીઓ સહિત ગામના જ ૬ મંદિરોને નિશાન બનાવી રૂ. ૪૦,૫૦૦ની કિમતના આભૂષણો માત્ર ૩ કલાકમાં જ ચોરી કરી લીધા હતા. પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો અને ગામના ૨ ઇસમોને ઝડપી લીધા હતા.
પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને શખ્સોને ઝડપી લીધા, ૪૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો
બનાવ અંગે અંજાર પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે, મંગળવારે રાત્રે બનેલા સામૂહિક મંદિર ચોરીના બનાવ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ગામમાં જ રહેતા જીવાભાઈ ગુજરીયા (આહીર)એ પોલીસને જણાવ્યું કે મંગળવારે રાત્રે બેથી પાંચના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો. અજાણ્યા તસ્કરોએ જાડેજા પરિવારના કુળદેવી મોમાય માતાના મંદિર, તેની બાજુમાં આવેલા શિતળા માતાના મંદિર, મંરડ પરિવારના કુળદેવી મોમાય માતાના મંદિર, વાછરા દાદાના મંદિર, સુથાર પરિવારના ચામુંડા માતાના મંદિર અને ગામની ભાગોળે આવેલા મોમાય માના મંદિરમાં ચોરી કરી હતી. આ તમામ મંદિરોમાંથી તસ્કરોએ ચાંદીના ૫૯ છત્તર, સોનાના ૩ છત્તર અને બે હજારના વાસણો મળીને ૪૦ હજાર ૫૦૦ની કિંમતની ચીજવસ્તુ ચોરી કરી ગયાં હતા.
આ બનાવ બન્યાના ગણતરીના જ કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા હતા. આ અંગે અંજાર પોલીસના પી.આઈ. એ.આર. ગોહિલે માહિતી આપતા જણાવ્યુ હતું કે, સુગારીયા ગામમાં જ રહેતા ૨૮ વર્ષીય પુનિત શામજીભાઈ મરંડ અને ૩૧ વર્ષીય પ્રદીપસિંહ જયેન્દ્રસિંહ જાડેજાને પોલીસે ઝડપી લીધા છે અને મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. આ આરોપીઓએ પોતાના મોજશોખ પૂરા કરવા માટે આ ચોરીને અંજામ આપ્યો હોવાનું પણ તેમણે જણાવ્યુ હતું.