જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ગઈ રાત્રે હિટ એન્ડ રનના બનાવમાં સિક્કા ગામના યુવાનનું અંતરિયાળ મૃત્યુ
Jamnagar Hit and Run : જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર ગોરધનપર ગામના પાટીયા પાસે ગઈકાલે રાત્રે 8.30 વાગ્યાના અરસામાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને પગપાળા જઈ રહેલા એક યુવાનને અજ્ઞાત વાહનના ચાલકે ઠોકરે ચડાવી કચડી નાખતાં ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા ગામમાં હાઉસિંગ બોર્ડની કોલોનીમાં રહેતા રામદેવસિંહ પ્રતાપસિંહ જેઠવા (ઉંમર વર્ષ 32) કે જે ગઈકાલે રાત્રે 8.30 વાગ્યાના અરસામાં ગોરધનપર ગામના પાટીયા પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા.
જે દરમિયાન પુરઝડપે આવી રહેલી કોઈ અજ્ઞાત ફોરવીલના ચાલકે તેઓને હડફેટમાં લઈ કચડી નાખતાં ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજયું હતું. આ અકસ્માતના બનાવની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ ગાંભવા બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જયારે અકસ્માત કરીને ભાગી છુટનાર વાહન ચાલકની સિક્કા પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.