Get The App

સાઉદી અરેબિયામાં અકસ્માતમાં ડેસર તાલુકાના યુવાનનું મોત

જાન્યુઆરી-૨૦૨૪માં લગ્ન બાદ ૨૫ વર્ષનો એન્જિનિયર યુવાન સપ્ટેમ્બરમાં નોકરી માટે સાઉદી ગયો હતો

Updated: Feb 3rd, 2025


Google News
Google News
સાઉદી અરેબિયામાં અકસ્માતમાં ડેસર તાલુકાના યુવાનનું મોત 1 - image

ડેસર તા.૩ સાઉદી અરેબિયાના જીજાન શહેર નજીક થયેલા માર્ગ અકસ્માતમાં ડેસર તાલુકાના પાંડુ મેવાસના યુવાનનું મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતા  મૃતદેહ વતનમાં લાવવા માટે પરિવાર તરફથી પ્રયત્નો શરૃ કરવામાં આવ્યા છે.

તા.૨૬ મી જાન્યુઆરીની વહેલી સવારે સાઉદી અરેબિયાના દક્ષિણી પોર્ટ થી ૨૬ મુસાફરો  ભરીને જીજાન શહેર જઈ રહેલી એક બસને અન્ય એક વાહન સાથે ભયાનક અકસ્માત સર્જાયો હતો. બસમાં કુલ ૨૬  લોકો મુસાફરી કરી રહ્યા હતા તે પૈકી અકસ્માતમાં ૧૫ લોકોના કમકમાટીભર્યા મોત નિપજયા હતાં. આ અકસ્માતમાં મૃત ૯ ભારતીય નાગરિકો પૈકી ડેસર તાલુકાના પાંડુ મેવાસ ગામના એક યુવાને પણ જીવ ગુમાવ્યો હતો.

ડેસર તાલુકાના પાંડુ મેવાસના બજાર ફળિયામાં રહેતા ઇમરાનખા અયુબખા ખાનજાદાના બે પુત્રો પૈકી મોટો પુત્ર મુઝફ્ફરખા (ઉ.વ.૨૫) બી.ઇ. મિકેનિક એન્જિનિયર સુધી અભ્યાસ કરી તા.૨૨ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ સાઉદી અરેબિયાના જીજાન શહેરમાં એસીઆઈસી નામની  કંપનીમાં નોકરી કરવા માટે ગયો હતો. સાઉદી જતા પહેલા તા.૧૮જાન્યુઆરીએ પાંડુ ગામના હસનખા ખાનજાદાની દીકરી નિકહતબાનું સાથે લગ્ન કર્યા હતાં.

તા.૨૭ જાન્યુઆરી બપોરે ૨ વાગે જીજાન શહેરમાં આવેલી એસીઆઈસી કંપનીના મેનેજર અજય રાઠોડનો ફોન મુઝફ્ફરના પિતા પર આવ્યો હતો અને પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત નિપજયું છે તેવી વાત કરતાં જ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પરિવાર ઉપર આભ ફાટયું હતું. મુજફ્ફરનો મુતદેહ ગુરૃવાર સુધી અમદાવાદ એરપોર્ટ ઉપર આવે તેવી સંભાવના છે.



Tags :
desaryoung-mandiedaccidentsaudi

Google News
Google News