યુવકે વીડિયો બનાવીને કેનાલમાં ઝંપલાવ્યું, જાસપુરના પૂર્વ સરપંચ અને શિક્ષિકા સામે નોંધાઈ ફરિયાદ
Suicide case: કલોલ તાલુકાના જાસપુર ગામે યુવકે કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. પરંતુ આપઘાત કરતા પહેલા યુવાને એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમણે આપઘાત કરવા માટે જાસપુર ગામના પૂર્વ સરપંચ અને પલસાણા ગામની શિક્ષિકા તથા અન્ય લોકોને જવાબદાર ગણાવ્યા હતા.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, સ્કૂલનું નામ પૂછવા બાબતે શિક્ષિકાને ઊભી રાખતા શિક્ષિકા અને પૂર્વ સરપંચે તેની સાથે માથાકૂટ કરી હતી અને પૂર્વ સરપંચે લાફો માથી હતો. ત્યારબાદ 181 અભયમની ટીમ બોલાવીને ફરિયાદ કરી હતી અને માફી પત્ર લખાવ્યો હતો. આ ઘટનાનું યુવકને લાગી આવતા આ પગલુ ભર્યું હતું. આ મામલે મૃતકના ભાઈએ પૂર્વ સરપંચ, શિક્ષિકા અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં રોજ 16 મહિલાનાં સ્તન-ગર્ભાશયના કેન્સરથી મોત, આરોગ્ય વિભાગના ચોંકાવનારા આંકડા
ચાંદખેડામાં રહેતા અતુલ સેનમાએ પોલીસ મથકમાં જાસપુરના પૂર્વ સરપંચ દિનેશ પ્રજાપતિ, પલસાણા ગામની શિક્ષિકા અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, વિપુલ સેનમા (મૃતક) અરવિંદ ફાઉન્ડેશન ખાત્રજમાં આવેલા ટાટા હાઉસિંગમાં નોકરી કરતો હતો. તેમણે પલસાણા ગામની શિક્ષિકાને સ્કૂલમાં વૃક્ષના રોપાઓ આપવા બાબતે સ્કૂલનું નામ પૂછ્યું હતું. આ મામલે શિક્ષિકા અને પૂર્વ સરપંચ દિનેશ પ્રજાપતિએ તેને ઊભો રાખ્યો હતો અને તેને લાફા મારી દીધો હતો.
ત્યારબાદ 181 અભયમની ટીમ બોલાવવામાં આવી હતી અને તેમાં વિપુલ સેનમા સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી. યુવક પાસે માફી પત્ર પણ લખાવ્યો હતો. આ ઘટનાનું વિપુલને લાગી આવ્યું હતું અને તેમણે આ મામલે વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમણે બધી હકીકત જણાવી હતી. વીડિયો બનાવ્યા બાદ વિપુલે કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું.