Get The App

સારી એવી નોકરી છતાં ઓનલાઈન ગેમનો ચસ્કો ભારે પડ્યો, રાજકોટના યુવાને દેવામાં ડૂબતાં આત્મહત્યા કરી

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
સારી એવી નોકરી છતાં ઓનલાઈન ગેમનો ચસ્કો ભારે પડ્યો, રાજકોટના યુવાને દેવામાં ડૂબતાં આત્મહત્યા કરી 1 - image


Rajkot News |  રાજકોટમાં એસ્ટ્રોનના નાલા નજીકની ચિત્રકૂટધામ સોસાયટી શેરી નં.રમાં આવેલા ભાડાના ફલેટમાં રહેતાં મૂળ જામકંડોરણાના નિકુંજ જેરામભાઈ કથીરિયા નામના ૩૬ વર્ષના એમઆર યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઓનલાઈન ગેમમાં નાણાં ગુમાવતાં આર્થિક ભીંસમાં સપડાઈ જતાં આ પગલું ભરી લીધાનું ચિંતાજનક કારણ બહાર આવ્યું છે.

માલવીયાનગર પોલીસની તપાસમાં ખુલ્યું છે કે નિકુંજભાઈ છેલ્લા એક વર્ષથી ભાડાના ફલેટમાં રહી એમઆર તરીકે નોકરી કરતા હતા. ગઈકાલે તેણે એમઆર મિત્રને લોનની જરૃર છે તેમ કહ્યું હતું. ત્યાર પછી તે એમઆર મિત્ર અને બીજો એમઆર મિત્ર ભેગા થયા હતા. બંને એસ્ટ્રોન ચોક નજીક હતા ત્યારે નિકુંજને કોલ કર્યો હતો. પરંતુ તેણે કોલ રીસીવ કર્યો ન હતો. આ પછી બંને તેની સોસાયટીમાંથી પસાર થતાં નિકુંજનું બાઈક જોઈ તેના ફલેટે ગયા હતા.

પરંતુ ઘણીવાર પછી પણ દરવાજો નહીં ખુલતાં દરવાજાની તિરાડમાંથી જોતાં નિકુંજ પંખા સાથે ચાદર બાંધી લટકતો જોવા મળ્યો હતો. જેથી 108ને જાણ કરી હતી. ત્યાર પછી પોલીસ કન્ટ્રોલ રૃમમાં પણ કોલ કર્યો હતો. પોલીસે ફલેટનો દરવાજો તોડી અંદર જઈ જરૃરી કાર્યવાહી બાદ નિકુંજના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.

પોલીસને વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે નિકુંજના ત્રણ વર્ષ પહેલા  છૂટાછેડા થઈ ગયા હતા. બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો. ઘણાં સમયથી ઓનલાઈન ગેમ રમતો હતો. તેમાં નાણાં  ગુમાવતા આર્થિક ભીંસમાં આવી આ પગલું ભરી લીધું હતું. જેની ખરાઈ કરવા પોલીસ તજવીજ કરી રહી છે.


Google NewsGoogle News