કેનેડા મોકલવાના બહાને યુવાન સાથે પિતરાઈ બહેન, ભાણિયા અને ભાણીએ 2.70 કરોડની ઠગાઈ કરી
Vadodra Visa Fraud : કરજણ તાલુકાના કંડારી ગામમાં રહેતા યુવાન સાથે તેના ભાણીયા એ જ કેનેડા મોકલવાના બહાને 2.70 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી જે અંગે યુવાને તેના ભાણીયા, બહેન અને ભાણી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
કરજણ પોલીસ મથકમાં દર્શન વિનોદભાઇ પટેલ (રહે. કંડારી, સ્વામીનારાયણ ખડકી, કરજણ-વડોદરા) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મેં આઇટીઆઇમાં ઇલેક્ટ્રીશીયનનો અભ્યાસ કર્યો છે. મારા માતા અમેરિકામાં રહે છે. વર્ષ 2009 માં અભ્યાસના વિઝા મેળવીને લંડન ગયા બાદ વર્ષ 2014માં પરત ફર્યો હતો. કોરોનાકાળ બાદ ભાણો અભ્યાસના વિઝા લઇને કેનેડા ગયો હતો. ત્યારબાદ મને દિવ્યાંગીની બહેને જણાવ્યું કે, કેનેડા જવા માટે વિઝીટર ટુ વર્ક પરમીટ વિઝા થાય છે, આ કામ મારો દિકરો ધ્રુવકુમાર પટેલ કરે છે. તારે જવું હોય તો હું નંબર આપું. બાદમાં નંબર મેળવી મેં વિઝા અંગે વાત કરી હતી.
ધ્રુવ કુમારે મને વિઝા થઇ જશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. વિઝિટર અને વર્ક પરમિટ વિઝા માટે રોકડ તેમજ ઓનલાઇન તબક્કાવાર રકમ ચૂકવી હતી.
ધ્રુવ લગ્નપ્રસંગમાં કેનેડાથી સ્વદેશ આવતા મુલાકાત થઇ હતી. તે સમયે પણ તેણે વર્ક પરમીટના વિઝાનું કામ થઇ ગયું હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ વર્ક પરમીટના વિઝામાં પ્રોબ્લેમ થયો હોવાનું જણાવીને બિઝનેસ વિઝાની પ્રોસેસ કરવા જણાવ્યું હતું. જે બાબતે અલગ અલગ એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતા. જેની સામે દિલ્હીથી અબુધાબી અને અબુધાબીથી ટોરેન્ટોની ટિકિટ વોટ્સએપ થકી મોકલી હતી. પરંતુ શંકા જતા એર લાઇન્સના કસ્ટમર કેરમાં ફોન કરીને માહિતી મેળવી હતી. જેમાં જાણવા મળ્યું કે, આ ટિકિટ ઇશ્યુ કરી નથી. આ અંગે બાદમાં ધ્રુવને જાણ કરતા તેણે કહ્યું કે, આ ટિકિટની તમે ચિંતા ના કરો, મેં એમ્બેસીમાં મુકવા માટે ખોટી બનાવડાવી છે. છેલ્લે મેં ફાઇલ બંધ કરવા અને અત્યાર સુધી ચૂકવેલા નાણાં પરત કરવા જણાવ્યું હતું.
આશરે 2.70 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ ધ્રુવ ગૌરાંગભાઇ પટેલ, દિવ્યાંગીનીબેન ગૌરાંગભાઇ પટેલ અને મનાલીબેન દિપકકુમાર પટેલ (તમામ રહે. માંજલપુર, વડોદરા) સામે નોંધાતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.