પિતાએ મોબાઇલ બંધ કરાવી દેતા પુત્રીનો ઝેર પી આપઘાત
નાની પુત્રીની પરીક્ષા હોવાથી પિતાએ મોબાઇલ જોવાની ના પાડતા મોટી પુત્રીએ ઝેર પી લીધું
વડોદરા, તા.27 પાદરા તાલુકાના શાણપુર ગામમાં પિતાએ બે પુત્રીઓ પાસેથી પરીક્ષાના કારણે મોબાઇલ લઇ લેતાં એક પુત્રીએ આવેશમાં આવી જઇ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી હતી.
આ અંગેની વિગત એવી છે કે શાણપુર ગામે બસ સ્ટેન્ડવાળા ફળિયામાં રહેતા નિલેશ ઇશ્વરભાઇ પરમાર ખેતી કામ કરે છે. તેમની બે પુત્રીઓ દર્શના (ઉ.વ.૨૧) અને સંજના બંને મોબાઇલફોનમાં ક્રિકેટ મેચ જોતી હતી. નાની પુત્રી સંજનાની પરીક્ષા ચાલુ હોવાથી પિતાએ બંને પુત્રીઓને ફોન જોવાની ના પાડી હતી અને હાલ પરીક્ષા ચાલતી હોવાથી મોબાઇલ બહુ ના જુઓ તેમ કહી મોબાઇલ બંધ કરાવી દીધો હતો.
દરમિયાન દર્શનાને મનમાં લાગી આવ્યું હતું અને તા.૨૩ની રાત્રે તે ઘરની પાછળ વાડામાં જઇને ઝેરી દવા પી લીધી હતી. તેને સારવાર માટે પ્રથમ મુવાલ ખાતેની ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં ગોત્રી હોસ્પિટલમાં ખસેડતા તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.