Get The App

સુરત એરપોર્ટ પર CISFના યુવાન PSIએ જાતે પેટમાં ગોળી મારી આપઘાત કર્યો

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
સુરત એરપોર્ટ પર CISFના યુવાન PSIએ જાતે પેટમાં ગોળી મારી આપઘાત કર્યો 1 - image


- મુળ રાજસ્થાનના 31 વર્ષીય કિશનસિંહ શેખાવતના આઠ મહિના પહેલા લગ્ન થયા હતા : ડયૂટી પર આવ્યા ત્યારે બિલકુલ નોર્મલ હતા

- ગૃહક્લેશમાં પગલું ભર્યાનું પોલીસનું પ્રાથમિક અનુમાન

 સુરત,:

સુરતના ડુમસ રોડ સ્થિત સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સીઆઇએસએફના પીએસઆઇ તરીકે ફરજ બજાવતા યુવાને આજે શનિવારે બપોરે પોતાની સર્વિસ પિસ્તોલથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ મુળ રાજસ્થાનમાં જયપુરના વતની અને હાલમાં મગદલ્લા ગામમાં બાપુનગરમાં રહેતા ૩૧ વર્ષીય કિશનસિંહ માલસિંહ શેખાવત છેલ્લા પોણા ત્રણ વર્ષથી સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સીઆઇએસએફમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હતા. આજે બપોરે તે એરપોર્ટના ડિપાર્ચર ગેટ પર સુરક્ષાની જવાબદારી સંભાળી રહ્યા હતા. ત્યારબાદ તે અહીથી એરપોર્ટના બાથરૃમમાં ગયા હતા અને પોતાની સર્વિસ પિસ્તોલથી જાતે પેટના ભાગે ગોળી મારી દીધી હતી.

ફાયરિંગનો ધડાકો થતા સીઆઇએસએફના સ્ટાફ તેમજ અન્ય કર્મચારીગણમાં ભાગદોડ મચી હતી. ધડાકાનો અવાજ આવ્યો તે દિશામાં સીઆઇએસએફના સ્ટાફના ત્રણ જવાન બાથરૃમમાં દોડી ગયા હતા. જ્યાં કિશનસિંહ  શેખાવત લોહીલુહાણ હાલતમાં નજરે પડતા ચોંકી ગયા હતા. તેમને ઉંચકીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. પણ ગંભીર ઇજાને કારણે ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

બાદમાં પોલીસને જાણ કરાતા મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલમાં ખસેડાયો હતો.સુત્રોએ જણાવ્યું કે, કિશનસિંહના લગ્ન ૬થી ૮ માસ પહેલા થયા હતા. જોકે તે ડયુટી પર આવ્યા ત્યારે તે નોર્મલ હતા. બાદમાં તે પોતાના સાથી કર્મચારી સાથે વાતચીત કરી હતી અને હળવી મસ્તી કરતા પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ એકાએક તેમણે આ પગલું ભરી લીધું હતું. તેના આપઘાતને પગલે પરિવાર હતપ્રભ બની ગયો છે. ગૃહક્લેશ કે અન્ય કોઇ કારણસર તેમણે આ પગલું ભર્યાની શક્યતા પોલીસે જણાવી હતી. જોકે આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


Google NewsGoogle News