પતંગ દોરીએ વધુ એક જીવ લીધો, 20 દિવસના બાળકે પિતા ગુમાવ્યા
વરણામાં હાઇ વે ઉપર કોટંબીના બાઇક ચાલક યુવકનું ગળુ પતંગદોરીથી કપાતા મોત, એક વર્ષ પહેલા જ લગ્ન થયુ હતું
વડોદરા : ઉત્તરાયણની મજા વચ્ચે કેટલાક પરિવારો એવા છે કે ઉત્તરાયણનો દિવસ કાયમ માટે આઘાત આપીને ગયો. વડોદરામાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન પતંગના કારણે ૩ના મોત થયા છે જેમાં આજે એકનો ઉમેરો થયો છે. વરણામા નજીક કોટંબીના બાઇક ચાલક યુવકના ગળામાં પતંગદોરી ફસાતા ગળુ કપાયુ હતુ જેના કારણે તેનું મોત થયુ છે.
વડોદરા નજીક આવેલા કોટંબી ગામમાં રહેતો અને ફાર્મા કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો ૨૬ વર્ષનો મયુરસિંહ રાજેન્દ્રસિંહ પરમાર બુધવારે કંપનીના કામ માટે બાઇક લઇને કરજણ ગયો હતો અને ત્યાંથી રાત્રે પરત ફરી રહ્યો હતો ત્યારે વરણામા નજીક હાઇવે ઉપર મયુરસિંહના ગળામાં પતંગની દોરી ભરાઇ હતી જેના કારણે ગળામાં ઊંડો ઘા પડી ગયો હતો. મયુરસિંહને અજાણ્યા લોકોએ ૧૦૮ દ્વારા એસએસજી હોસ્પિટલ પહોંચાડયો હતો જ્યાં તેનું મોત થયુ હતું.
ઘટનાની કરૃણતા એ છે કે મયુરસિંહ એકનો એક પુત્ર હતો અને પરિવારનો એકમાત્ર કમાતો સહારો હતો. મયુરસિંહના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને ૨૦ દિવસ પહેલા પુત્રનો જન્મ થયો હતો. પતંગની દોરીએ એક ઝાટકે ૨૦ દિવસના બાળક અને પરિવારને નોંધારો કરી દીધો છે. આ ઘટના ઉપરાંત વડોદરા શહેરમાં છેલ્લા ૩ દિવસ દરમિયાન પતંગ દોરીથી ઇજા થવાના ૪૧ બનાવ નોંધાયા છે જે પૈકી ચાર બનાવ બુધવારની સાંજથી ગુરૃવારની સાંજ વચ્ચે બન્યા હતા.