537 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તમારી સંડોવણી છે... વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 25 લાખ પડાવ્યા
વડોદરામાં ડિજિટલ એરેસ્ટ નો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં ઠગ ટોળકી દ્વારા ફરી એક વાર અંધેરી પોલીસ સ્ટેશન અને સીબીઆઇના નામનો ઉપયોગ કરી સીનીયર સીટીઝન પાસેથી 25.50 લાખ પડાવી લેવામાં આવ્યા છે.
ફતેગંજ વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન ભુપેન્દ્રભાઈએ પોલીસને કહ્યું છે કે ગઈ તા 10 ડિસેમ્બરે મને વોટ્સએપ પર અંધેરી પોલીસ સ્ટેશનના નામે કોલ આવ્યો હતો. આ નંબર ઉપર અંધેરી પોલીસ સ્ટેશન નો ફોટો પણ હતો. મને 537 કરોડના માની લોન્ડરીંગ કેસમાં તમારા એકાઉન્ટનો ઉપયોગ થયો છે તેમ કહી ગ્રુપ કોલ માં સીબીઆઈ ના અધિકારી સાથે પણ વાત કરાવવામાં આવી હતી. આ ઉપરાંત મને ટ્રાઈ ના નામનો એક બોગસ લેટર પણ મોકલવામાં આવ્યો હતો.
સિનિયર સિટીઝને કહ્યું છે કે, ઠગ ટોળકીએ ઘરની બહાર સીબીઆઈના માણસો સાદા વેશમાં વોચ રાખી રહ્યા છે તેમ કહી બહાર નહીં નીકળવા અને ડિજિટલ એરેસ્ટ કર્યા હોવાથી દર એક કલાકે રિપોર્ટિંગ કરવા કહ્યું હતું.
ત્યારબાદ બીજા દિવસે તેમણે મને કહ્યું હતું કે તમારી વાત પરથી તમે નિર્દોષ લાગો છો પરંતુ સીબીઆઈનું એનઓસી ના મળે ત્યાં સુધી તમારે અમે કહીએ તેમ કરવું પડશે. ઠગ લોકોએ મારા બેન્ક એકાઉન્ટની ડીટેલ લીધી હતી અને એચડીએફસી બેન્ક ની એફડી તોડાવી બેંક ઓફ બરોડામાં ટ્રાન્સફર કરાવી હતી. સીબીઆઇ તમારો તમામ ખર્ચ ઉપાડી લેશે અને રકમ પણ સુરક્ષિત રીતે પરત કરી જશે તેમ કહી એક બેન્ક એકાઉન્ટમાં મારી પાસે 25.50 લાખની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી.
આ રકમ મને પરત નહીં મળતા મારી સાથે ફ્રોડ થયાનું જણાઈ આવ્યું હતું. જેથી સાયબર સેલમાં પોલીસ ફરિયાદ કરી હતી.