Get The App

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ઓવરલોડ ડમ્પર ચાલકોને તંત્રનો પીળો પરવાનો

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ઓવરલોડ ડમ્પર ચાલકોને તંત્રનો પીળો પરવાનો 1 - image


- તંત્રની રહેમનજર હેઠળ સરકારી તિજોરીને કરોડોનું નુકસાન

- ડમ્પરો સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશનો સામેથી માતેલા સાંઢની જેમ નીકળતા હોવા છતાં કોઇ પણ કાર્યવાહી કરવામાં આવતી નહીં હોવાનો આક્ષેપ

બગોદરા : અમદાવાદના ગ્રામ્યા વિસ્તારમાં તંત્રવાહકોની મીઠી નજર હેઠળ ઓવરલોડ માલ ભરીને બેફામ દોડતા ડમ્પરો સમસ્યારૂપ બની રહ્યા છે. રેતી ચોરી અને ખનિજ ચોરીમાં પણ ડમ્પરો મહત્તમ ઉપયોગ થતો હોવાનું જાણવા મળે છે. રાજકીય ઓથ મળતી હોવાના કારણે નિયમભંગ કરતા આ ડમ્પરોના ચાલકો- માલિકો સામે ધડો બેસે તેવી કડક કાર્યવાહી થતી ન હોય તેવું લાગે છે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોના બાવળા ધોળકા, ધોલેરા,બગોદરા, સાણંદ, દસ્કોઈ, ચંડિસર, નવાપુર, સરોડા  જેવા વિસ્તારોમાં રેતી માટે કપચી જેવા ખનીજ ભરી ઓવરલોડ કોઈ પરમિટ વગર બેફામ ડમ્પરો દોડી રહ્યા છે. ખાસ કરીને બગોદરા હાઈવે, ધોળકા શહેર, ચંડીસર રોડ સહીતના રોડ પર દિવસ રાત બેફામ ખનીજ ભરેલા ટાટ પત્રી બાંધ્યા વગરના ઓવરલોડ ડમ્પરો નંબર પ્લેટ વગરના વહન કરી રહ્યા છે.  

કેટલાય ડમ્પરો પાસિંગ ક્ષમતાથી દોઢી કે ડબલ માલ ભરીને બેરોકટોક દોડતા હોય છે. નાના ડમ્પરોની પાસિંગ ક્ષમતા ૯થી ૧૦ ટનની હોય છે. પરંતુ તેમાં ૧૫થી ૧૮ ટન માલ ભરીને ડમ્પરો દોડતા હોય છે. તેવી જ રીતે મોટા ડમ્પરોની પાસિંગ ક્ષમતા ૧૬ ટનની હોય છે તેમાં અંદાજે ૨૫થી ૩૦ ટન માલ ભરીને દોડાવવામાં આવતા હોય છે.  સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશનની સામેથી આવા ઓવરલોડ ડમ્પરો પસાર થતા હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. 

આ અંગે ખાસ વર્તુળોમાંથી જાણવા મળતી વિગત એવી છે કે ડમ્પર માલિકો દ્વારા સંબંધિત તંત્રવાહકોને ડમ્પરદીઠ હપ્તા પહોંચાડાતા હોય છે. તેથી પોલીસ સહિતના તંત્રવાહકો ઓવરલોડ ડમ્પરો સામે આંખ આડા કાન કરીને લોલમલોલ ચાલવા દેતા હોવાનું મનાય છે. ઓવરલોડ માલ ભરેલા ગેરકાયદે ડમ્પરથી સરકારને બેવડું આથક નુકસાન થાય છે. ઓવરલોડ માલ ભરીને ગેરકાયદે વહન થતું હોવાથી સરકારને રોયલ્ટીનું કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. સાથોસાથ નિયમભંગ બદલ ડમ્પર ચાલકોને દંડ ન થવાથી સરકારને આથક નુકસાન થઈ રહ્યું છે. ડમ્પર ચાલકો એકને એક રોયલ્ટી પાસ વારંવાર વાપરીને પોતાની તિજોરીને ભરવા સાથે સરકારી તિજોરીને આથક નુકસાન કરતા હોવાનું મનાય છે. આ અંગે ઉચ્ચ કક્ષાએથી સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે તો ઓવરલોડ માલ ભરીને ડમ્પરોની અનેક ગેરરીતિઓ બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી.

વધુ ફેરા કરવાની લ્હાયમાં અકસ્માતો થાય છે

ડમ્પર માલિકો દ્વારા ડમ્પર ચાલકો વધુ ફેરા કરે એટલા માટે તેમને ફેરાદીઠ મહેનતાણું આપવામાં આવતું હોય છે. ડમ્પર ચાલકો વધુ ફેરા કરીને વધુ મહેનતાણુ મેળવવા માટે ઓવરલોડ ડમ્પરો બેફામ ઝડપે ચલાવે છે અને અકસ્માતો સર્જીને નિર્દોષ જિંદગીઓ સાથે ચેડા કરતા હોય છે.

મની, મસલ્સ પાવર અને તંત્રની મીલીભગત

ઓવરલોડ માલ ભરીને બેફામ દોડતા અને નિયમભંગ કરતા ડમ્પરોના વ્યવસાયમાં મોટાભાગના મની પાવર અને મસલ્સ પાવરવાળા લોકો હોવાનું જાણવા મળે છે. આવા લોકો નાણાંની કોથળી ખુલ્લી મૂકીને તેમજ દબંગાઇથી નિયમોની ઐસી-તૈસી કરતા હોય છે. ઓવરલોડ ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવાની જેમની જવાબદારી છે. તે તંત્રવાહકો પણ ગજવા ગરમ કરી આંખ આડા કાન કરતા હોવાથી ડમ્પર માલિકોને નિયમભંગ કરવાનું મોકળું મેદાન મળી ગયું છે.

રાજકીય ઓથે ફૂલતો ફાલતો કારોબાર

જિલ્લામાં ઓવરલોડ માલ ભરીને દોડતા ડમ્પરો એક ગંભીર સમસ્યા બની રહ્યા છે. રાજકીય ઓથ હેઠળ આવો કારોબાર ફૂલીફાલી રહ્યો હોવાનું મનાય છે. રાજકીય લોકો મની અને મસલ્સ પાવરવાળા લોકોની જરૂર પડતી હોય છે. કેટલીકવાર આ વ્યવસાયમાં રાજકીય લોકોની ભાગીદારી હોવાનું પણ જાણવા મળે છે. આમ રાજકીય ઓથને કારણે ઓવરલોડ માલ ભરીને બેફામ દોડતા ડમ્પરો સામે કડક કાર્યવાહી થતી ન હોવાનું મનાય છે.



Google NewsGoogle News