Get The App

ગુજરાતમાં આજે કમોસમી વરસાદનું યલો એલર્ટ : મંગળવારથી ઠંડી વધશે

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
ગુજરાતમાં આજે કમોસમી વરસાદનું યલો એલર્ટ : મંગળવારથી ઠંડી વધશે 1 - image


કૃષિપેદાશોને પલળતી બચાવવા માર્કેટ યાર્ડોએ આવક બંધ કરાવી : દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ભાવનગર, સોમનાથ, કચ્છ, દિવ સહિત સ્થળે માવઠાંની ચેતવણી 

રાજકોટ, : ગુજરાત,મહારાષ્ટ્રના કાંઠે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકી રહ્યું છે ત્યારે તેની અસરથી ગુજરાતમાં આવતીકાલ તા.૨૬ના અનેક સ્થળોએ માવઠાં વરસવાનું યલો એલર્ટ મૌસમ વિભાગે જારી કર્યું છે. વાદળિયા હવામાનથી હાલ સવારે અનુભવાતી ગુલાબી ઠંડીમાં પણ બે દિવસ ઘટાડો થશે પરંતુ, ત્યારબાદ તાપમાનમાં 3થી 5 સે.નો ઘટાડો થવા સાથે ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પૂર્વાનુમાન અપાયું છે. 

આવતીકાલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં અનેક સ્થળોએ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લા અને દિવ પંથકમાં હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી જારી કરાઈ છે. જ્યારે તા. 27ના સોમવારે પંચમહાલ, નવસારી, વલસાડ, દાહોદ વગેરે જિલ્લામાં વરસાદની અને અન્યત્ર સુકા હવામાનની આગાહી છે. 

ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. તો દક્ષિણ ભારતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ બંગાળની ખાડીમાં વાવાઝોડાની સીસ્ટમ બંધાવાની શક્યતા છે. 

સૌરાષ્ટ્રમાં હાલ કૃષિ પેદાશો વેચવાની સીઝન  ટાણે જ માવઠાંની સંભવિત મુસીબતના પગલે કૃષિમંત્રીએ જણાવ્યું કે માવઠાં કે ભારે વરસાદની શક્યતા જણાતી નથી પણ સરકારી તંત્ર કૃષિપેદાશો વગેરેને નુક્શાન ન થાય તે માટે તૈયારી કરી છે. દરમિયાન માર્કેટ યાર્ડોમાં કૃષિપાકનો ભરાવો હોય અને ખુલ્લા મેદાનમાં જણસી ઠલવાતી હોય નવી આવક બંધ કરાવાઈ છે. 


Google NewsGoogle News