વર્ષ ૨૦૨૪ઃ રાજકોટમાં અગ્નિકાંડ અને રૃપાલાના વિરોધથી સમગ્ર રાજ્ય હચમચી ગયું
આખુ વર્ષ વિત્યું છતાં વિદેશની ફ્લાઈટ શરુ ન થઈ,ટ્રેન સુવિધા ન
વધી
મનપાનું ટીપરવાનનું શંકાસ્પદ કૌભાંડ સર્જાયું, પોલીસ ટ્રાફિક દંડમાં સફળ પણ ટ્રાફિક નિયમનમાં નિષ્ફળ
રહી, રાદડીયાએ ભાજપને હરાવ્યું
રાજકોટ : વધુ એક વર્ષે આજે વિદાય લીધી ત્યારે સૌરાષ્ટ્રના સૌથી મોટા મહાનગર અને એક સમયે રાજ્યના સત્તાવાર પાટનગર એવા રાજકોટમાં ઈ.સ.૨૦૨૪ની બે ઘટનાઓએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાંખ્યું હતું જેમાં ભ્રષ્ટાચારથી ધમધમતા ટી.આર.પી.ગેમઝોનના અગ્નિકાંડ જેમાં ૨૭ લોકોના અત્યંત કમકમાટીભર્યા અને ગુજરાતમાં સૌથી દર્દનાક મોત નીપજ્યા અને પુરુષોત્તમ રૃપાલાએ ક્ષત્રિય સમાજ વિષે કરેલા અનુચીત ઉચ્ચારણોથી રાજ્યભરમાં ક્ષત્રિય સમાજનું ૪૦ દિવસનું ઐતહાસિક ઉગ્ર આંદોલન રાજકોટથી શરુ થયું હતું.
*તા.૨૫-૫-૨૦૨૪ના
સાંજે નાનામવા રોડ પર ૩૦૦૦ ચો.મી.માં મનપાના ભ્રષ્ટાચારથી અને પોલીસની શંકાસ્પદ
મંજુરીથી ગેરકાયદે ધમધમતા ટીઆરપી ગેમઝોનમાં આગ ભભુકી ઉઠી જેમાં સત્તાવાર રીતે ૨૭ના
મૃત્યુ નીપજ્યાનું કલેક્ટરે જાહેર કર્યું હતું. આ ઘટનાની અત્યંત દર્દનાક બાબત એ છે
કે એક પણ મૃતદેહના શરીરનું એક અંગ પણ બળીને ખાખ થયા વગર મળ્યું ન્હોતું, માત્ર સળગીને
ભસ્મ થઈ ગયેલા અવશેષો જ મળ્યા હતા. રાજકોટ પોલીસની એસ.આઈ.ટી.એ તપાસ કરી અને સરકારે
સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં સીટ અને તે ઉપરાંત અશ્વિનીકુમારની અધ્યક્ષતામાં
સત્યશોધક કમિટિ રચાઈ પણ કોઈ નવું સત્ય જે લોકો જાણવા માંગતા હતા તે આજે સાત મહિના
પછી પણ બહાર નથી આવ્યું. મોરબીના ઝુલતાપૂલ કાંડ પછી સુધરાઈની ભાજપની આખી બોડીને
ઘરભેગી કરી દેવાઈ ત્યારે અહીં કોઈ પદાધિકારીને ભાજપે ઠપકો પણ આપ્યો નથી.
લોકરોષ શાંત પાડવા મ્યુનિ.અને પોલીસ કમિશનર સહિતની બદલી
કરાઈ, કેટલાકને
સસ્પેન્ડ કર્યા પણ માત્ર મનપાના ટી.પી.અને ફાયરબ્રિગેડના કેટલાક અધિકારીઓ સિવાય
કોઈ સામે ફોજદારી પગલા લેવાયા નહીં અને ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓને તો જાણે નિર્દોષ
જ માની લેવાયા. અગ્નિકાંડ પછી રાજકોટમાં ૬૦૦ મોટી મિલ્કતોને નોટિસો,સીલની કાર્યવાહી
થઈ પરંતુ,હવે
રાબેતામૂજબ થઈ ગયું છે.
*માર્ચ-૨૦૨૪ના
અંતમા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમ રૃપાલાએ ક્ષત્રિય સમાજ વિષે રાજા
મહારાજાઓનો ઉલ્લેખ કરીને અનુચીત ટીપ્પણી કરી અને તે સાથે જ તા.૨૬ માર્ચે
સૌરાષ્ટ્રભરમાં ક્ષત્રિયોનો રોષ ભભુકી ઉઠયો,
ઠેરઠેર ઉગ્ર વિરોધ પ્રદર્શનો સાથે રૃપાલાની ટિકીટ રદ કરવા માંગણી થઈ પણ ભાજપે
અને બાદમાં ચૂંટણી તંત્રે પણ રૃપાલાને ક્લીન ચીટ આપી દીધી અને ક્ષત્રિયોને
મનાવવાના પ્રયાસો કર્યા. તેમાં ગોંડલમાં જયરાજસિંહે સમાધાન થઈ ગયાની વાતો કરતા
ક્ષત્રિયો વધુ ભડક્યા અને રૃપાલાને ટેકો આપનારને રાજપૂતોને બદલે ભાજપૂતો કહીને
વિરોધ એટલો જારી રાખ્યો કે રાજકોટના રતનપર ખાતે રેકોર્ડબ્રેક લાખોની સંખ્યામાં
ક્ષત્રિયોએ એકત્ર થઈને વિરોધ પ્રદર્શિત કર્યો, સમગ્ર રાજ્યમાં ઉગ્ર વિરોધ થયો. ક્ષત્રિય આગેવાનોએ કહ્યું, આવું આંદોલન
ઈતિહાસમાં થયું નથી.
ઈ.સ.૨૦૨૪ની અન્ય કેટલીક ઘટનાઓ ઉડતી નજરે જોઈએ તો...
* ઈફ્કોના
ડાયરેક્ટરની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બીપીન પટેલ ગોતા (અમદાવાદ)ની સામે
ભાજપના ધારાસભ્ય,પૂર્વ
મંત્રી જયેશ રાદડીયાએ ખુલ્લેઆમ ઉમેદવારી નોંધાવી અને વિજય મેળવીને ભાજપને પરાજ્ય
આપ્યો. બાદમાં ભાજપે યાર્ડમાં રાદડીયા તરફી નેતાની જ પસંદગી કરવી પડી હતી. સહકાર
ક્ષેત્રમાં પ્રથમવાર ભાજપની દખલ સામેનો વિરોધ સપાટી પર આવ્યો હતો.
*રાજકોટ
સબ રજીસ્ટ્રાર કચેરીના ઓપરેટર સહિતના શખ્સોના જમીન મકાનના બોગસ દસ્તાવેજોના કાંડે
ભારે ચકચાર જગાવી તો જી.એસ.ટી.ચોરી સહિતના કૌભાંડો પણ બહાર આવતા રહ્યા.
*સવા વર્ષ
પહેલા વડાપ્રધાને ખુલ્લા મુકેલા રૃ।.૧૪ અબજથી વધુ ખર્ચના હીરાસર ગ્રીનફિલ્ડ
એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નામકરણ તો કરી દેવાયુ પરંતુ, ઉપરાઉપરી મુદતો
બાદ વર્ષ વિતી ગયુ છતાં એક વિદેશની ફ્લાઈટ જામનગરની જેમ કોઈ કાર્યક્રમ માટે પણ શરુ
થઈ નથી. એટલું જ નહીં, એરપોર્ટમાં
પ્રજાભિમુખ અધિકારીઓ નહીં મુકાતા ડોમેસ્ટીક સેવા પણ વધી નહીં કે એરપોર્ટનું કેનોપી
ધસી પડવા અને પાર્કિંગ ચાર્જના નામે લૂંટ સહિતના વિવાદો સર્જાયા.
* રૃ।.૧૧૦૦
કરોડના ખર્ચે ગુજરાતની સૌ પ્રથમ એઈમ્સ શરુ તો થઈ,ફેબુ્ર.૨૦૨૨થી આજ સુધીમાં એક લાખ ટેલીમીડીસીન સેવા૨.૩૨ લાખની ઓપીડી, ૧૧૦૦થી વધુ
સર્જરી થયા પણ નામ મૂજબ જે કામ થવું જોઈએ તે થયુ નથી. આનાથી ઘણી વધારે ઓપીડી તો સિવિલમાં
નોંધાય છે. સિવિલમાં વિવાદો પણ વધ્યા અને કામગીરી પણ વધી,અમુક દિવસે તો
સમગ્ર દેશની સરકારી હોસ્પિટલોમાં સૌથી વધુ ઓ.પી.ડી. (૪ હજારથી વધુ) રાજકોટ
સિવિલમાં નોંધાતી. તો એઈમ્સમાં કામ નોંધપાત્ર નથી પરંતુ, નબળુ બાંધકામ, ભરતીમાં ગરબડ
સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન પણ થયું હતું.
*મહાપાલિકામાં
રૃ।.૬૦૦ કરોડમાં જે કામ થઈ શકે તે સોલીડ વેસ્ટનું રૃ।.૧૧૦૦ કરોડનું ટેન્ડર મંજુર
કરાયું તેમાં દેખીતા ભ્રષ્ટાચારની શંકા
ઉપરાંત મનપાનો વાર્ષિક મહેસુલી ખર્ચ રૃ।.૬૦ કરોડ જેવો વધી જશે જેની દુરગામી
માઠી અસરો સર્જાઈ શકે છે. આમ છતાં સરકાર કે મનપા દ્વારા તેની તપાસ કરાઈ નથી.
* મનપામાં
વૃક્ષારોપણની કામગીરી વર્ષમાં સર્વાધિક થઈ,
પરંતુ, આજી
નદીથી માંડીને અનેક પ્રોજેક્ટ ટલ્લે ચડી ગયા. ઈતિહાસમાં પ્રથમવાર એક ચીફ ફાયર
ઓફિસર ઈલેશ ખેર અગ્નિકાંડમાં બેદરકારી બદલ અને બીજા અનિલ મારુ ઓફિસમાં જ લાંચ લેતા
જેલભેગા થયા અને આજેય સ્ટેશન ઓફિસરથી ગાડુ ગબડાવાય છે. તો ખુદ ટી.પી.ઓ.સાગઠીયાની
ગેમઝોનમાં બેદરકારી ઉપરાંત કરોડોનો ભ્રષ્ટાચાર આખુ વર્ષ ચર્ચામાં રહ્યો.
*રાજકોટ
પોલીસ લુખ્ખાઓ ઉપર ધાક જમાવી શકી નહીં,
વર્ષના અંતે પણ રસ્તા પર પેટ્રોલ સળગાવીને જન્મદિવસની ઉજવણી કરાય છે. ટ્રાફિક
પોલીસ દંડનો ટાર્ગેટ પૂરો કરવામાં સફળ રહી પણ ટ્રાફિક નિયમનમાં નિષ્ફળ રહી.
*મનપાના
શાસકો કાર્ય તો દૂર રહ્યા,
દિવાળી કાર્નિવલ,રંગોળી
સ્પર્ધાને બાદ કરતા હજારો લોકો ઉમટે તેવા મેરેથોન, રમતોત્સવ,
ફ્લાવર શો યોજ્યા નહીં.
*૨૮ વર્ષ
બાદ સંઘ-ભાજપ શાસિત નાગરિક સહકારી બેન્કમાં ચૂંટણી થઈ, કોણ જીત્યું તે
નહીં પણ ભાજપ-સંઘમાં હવે સંખ્યા વધવા સાથે આંતરિક વિવાદો વધ્યા છે તે સાબિત થયું.
રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં ભાજપે અગાઉની જેમ પરોક્ષ રીતે ઝૂકાવવાનું જ માંડી
વાળ્યું. એક નેતાએ માત્ર વોર્ડ પ્રમુખ થવા જન્મતારીખમાં ચેડાં કરીને ખુદ ભાજપને
છેતરવાની કોશિષ કરી. જો કે વર્તમાન શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો, સાંસદો પોતે અગાઉ
જેમ જમીન કાંડો વિવાદો થતા તેનાથી દૂર રહેવાનુ પસંદ કર્યું હતું.
*ચોમાસામાં
અતિ ભારે વરસાદ અને જળબંબાકાર અને બાદમાં આજ સુધી ભંગાર રસ્તાઓનો ત્રાસ લોકો માટે કાયમી
બની ગયો છે.
*સંસ્થાઓના
અનેક કાર્યક્રમો થતા રહ્યા પણ લોકમુખે ચર્ચા હોય કે મોરારીબાપુની કથા, વૃક્ષારોપણની
સદ્ભાવનાની સૌથી વધુ પ્રશંસા થઈ.