Get The App

'યમરાજ મને લેવા આવે છે..' બે વર્ષના પુત્રની હત્યા કરીને પિતાનો આપઘાત

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
'યમરાજ મને લેવા આવે છે..' બે વર્ષના પુત્રની હત્યા કરીને પિતાનો આપઘાત 1 - image


ગાંધીનગર નજીક આવેલા ધોળાકુવામાં કાળજું કંપાવનારી ઘટના

પત્નીને દૂધ લેવા માટે મોકલી પુત્રની ગળું દબાવી હત્યા કરી અને સિક્યોરિટી જવાને સાડી વડે ગળેફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ધોળાકુવામાં સિક્યોરિટી જવાન દ્વારા બે વર્ષના પુત્રની ગળું દબાવીને હત્યા કર્યા બાદ પોતે સાડી વડે ઘરમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધાની ઘટના બહાર આવી છે. જે અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે. તેણે લખેલી અંતિમ ચિઠ્ઠી પણ પોલીસને મળી આવી છે. જેમાં યમરાજ લેવા આવતા હોવાના સપના આવતા હતા.

આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા ધોળાકૂવામાં માઢવાળો વાસ ખાતે રહેતા સરતાનભાઇ વીરસીંગભાઇ પારઘીના પરિવારમાં પત્ની જશોદા અને બે વર્ષના પુત્ર પ્રિન્સનો સમાવેશ થતો હતો. સરતાનભાઈ સિક્યુરિટી જવાન તરીકે નોકરી કરતા હતા. આ દરમિયાન ગઈકાલે તેઓ સાંજના સમયે નોકરી ઉપર ગયા હતા અને રાત્રે ૧૦.૩૦ વાગે તેઓ તેમનું બાઈક લઈને ઘરે પરત ફર્યા હતા અને તેમની પત્ની જશોદાબેનને કહ્યું હતું કે ભૂખ લાગી છે જમવાનું આપ. જેથી તેમણે જમવાનું આપ્યું હતું. આ દરમિયાન તેમના પુત્ર પ્રિન્સને દૂધ પીવડાવ્યું હતું અને સરતાનભાઈ માટે દૂધ નહીં વધતા તેમણે દુકાને જઈને દૂધ લઈ આવવા માટે કહ્યું હતું. જોકે જશોદાબેન દૂધ લેવા માટે ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા ત્યારે ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો. જેથી તેમણે તેમની દેરાણીને બોલાવી હતી અને દરવાજા ઉપરથી બારીમાં હાથ નાખીને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યોે હતો. આ સમયે તેમણે જોયું તો તેમના પતિ સરતાનભાઈ ફાંસો ખાધેલી હાલતમાં જણાયા હતા અને બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેથી ધક્કો મારીને દરવાજો ખોલ્યો હતો અને જોયું તો સરતાનભાઈ સાડી વડે ફાંસો ખાંધેલી હાલતમાં હતા તો તેમનો બે વર્ષે પુત્ર પણ બાજુમાં સૂતો હતો અને કઈ બોલતો નહોતો. જેથી જોયું તો તેના ગળાના ભાગે દુપટ્ટો બાંધેલો હતો અને જેથી આસપાસના લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા બંનેને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમના મોત થયા હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના અંગે ઇન્ફોસિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને જશોદાબેનની ફરિયાદના આધારે તેમના પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી હતી.

આજે તારો અંતિમ દિવસ છે ઃ અંતિમ ચિઠ્ઠી પણ મળી

પુત્રની હત્યા અને આપઘાત કરતા પહેલા સરતાનભાઈએ અંતિમ ચિઠ્ઠી પણ લખી હતી. જે પોલીસને મળી આવી છે. જેમાં તેમણે યમરાજ તેમને લેવા માટે આવતા હોવાના સપના આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને આજે તારો અંતિમ દિવસ છે હું તને લઈ જઈશ તેવું પણ લખેલું હતું. આ સંદર્ભે તેમની પત્નીને પૂછતા તેમણે પણ પતિને આ પ્રકારના સપના આવતા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ માની રહી છે કે છેલ્લા ઘણા સમયથી સરતાનભાઈ માનસિક રીતે અસ્વસ્થ હતા અને તેના કારણે આ પગલું ભર્યું હોવાનું લાગી રહ્યું છે.

Tags :