'ગુજરાતમાં ભાજપની કેવી દશા તે જગજાહેર...' સરકાર પર સવાલ ઊઠાવતાં પૂર્વ ધારાસભ્યએ રોષ ઠાલવ્યો

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
'ગુજરાતમાં ભાજપની કેવી દશા તે જગજાહેર...' સરકાર પર સવાલ ઊઠાવતાં પૂર્વ ધારાસભ્યએ રોષ ઠાલવ્યો 1 - image


Gujarat BJP Former MLA Dhiru Gajera News | ભાજપના નેતાઓ જ સરકારથી નાખુશ છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરૂ ગજેરાએ સોશિયલ મિડીયામાં પોસ્ટ મૂકીને સરકાર સામે સવાલો ઉઠાવ્યાં છે. ગજેરાએ ગુજરાતમાં વકરતાં જતા ડ્રગ્સના દૂષણને લઇને ચિંતા વ્યક્ત કરતાં સરકારની ટીકા કરી કે, ભાજપ સરકાર કામ તો કરે છે પણ પરિણામ તો દેખાતુ નથી.

1995નું ભાજપ છે ક્યાં? 

ભાજપના પૂર્વ ધારાસભ્ય ઘીરુ ગજેરાએ સ્પષ્ટ કહ્યું કે, 1995નું ભાજપ છે ક્યાં? આજે ભાજપની કેવી દશા છે તે જગજાહેર છે. ગજેરાએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી કે, ઘણાં સમયથી જોઈ રહ્યો છુ ત્યારે દુઃખ થાય છે કે, યુવાઓ આજે ડ્રગ્સના રવાડે ચડ્યાં છે. ગુજરાતમાં દારુબંધી છે છતાંય ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે પણ દારુથી માણસ મરતો નથી. ગુજરાતમાં છડેચોક ડ્રગ્સ વેચાઇ રહ્યુ છે. 

ડ્રગ્સનું દૂષણ છુટતુ નથી

યુવાઓ આજે બેકારીને કારણે ડ્રગ્સના દૂષણનો શિકાર બન્યાં છે. ડ્રગ્સનું દૂષણ છુટતુ નથી. નવાઈની વાત તો એ છે કે, દિકરીઓ પણ જાહેરમાં સિગારેટ પીતી નજરે ચડી રહી છે. ગુજરાતમાં પરિસ્થિતીનું નિર્માણ થયુ છે. જો ગુજરાત સરકાર હજુય નહી જાગે તોસમાજને મોટુ નુકશાન થશે તેમાં બેમત નથી. 

પોલીસની નિષ્ક્રિયતા સામે ઊઠાવ્યા સવાલ

ધીરૂ ગજેરાએ પોલીસની નિષ્ક્રિયતાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમના કહેવાનો અર્થ છેકે, ડ્રગ્સનું દૂષણ વકરી રહ્યું છે તેની પાછળ પોલીસ તંત્રની નાકામી જવાબદાર છે. જો પોલીસ સંનિષ્ઠ રીતે કામગીરી કરી રહી છે તો ડ્રગ્સનું દૂષણ આટલી હદે વકરી શકે ખરું? આ ઉપરાંત બેકારી પણ જવાબદાર પરિબળ છે તેના કારણે યુવાઓ ડ્રગ્સના બંધાણી બની રહ્યાં છે. આમ ધીરુ ગજેરા સરકારની કામગીરીથી નાખુશ છે. ગજેરાએ સરકાર સામે સવાલ ઊઠાવી એવી આડકતરી ટીકા કરી કે જો સરકાર કામ કરતી હોય તો પરિણામ કેમ દેખાતું નથી. આમ ભાજપના ધારાસભ્યો અને નેતાઓ પહેલા પત્ર લખી ફરિયાદ કરતા હતા પરંતુ હવે ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર ટીકા કરવા લાગ્યા છે. 

'ગુજરાતમાં ભાજપની કેવી દશા તે જગજાહેર...' સરકાર પર સવાલ ઊઠાવતાં પૂર્વ ધારાસભ્યએ રોષ ઠાલવ્યો 2 - image



Google NewsGoogle News