સોમનાથમાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરવા સ્કૂટર પર 'P' લખાવ્યું
જાહેરનામાના ભંગ બદલ શખ્સ સામે ગુનો દર્જ : પેટ્રોલિંગમાં રહેલી પોલીસે ચાલકને અટકાવી કઈ જગ્યાએ ફરજ બજાવે છે તેમ પૂછતાં ભોપાળું છતું થયું
પ્રભાસપાટણ, : સોમનાથમાં મેગા ડિમોલીશન બાદ આ જગ્યાએ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ પ્રતિબંધ વિસ્તારમાં પ્રવેશવા માટે એક શખ્સે એકટીવા પર આગળ પી અને પાછળ પોલીસ લખાવીને નિકળતા પોલીસે તેને ઝડપી તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.
પ્રભાસ-પાટણ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પ્રભાસપાટણના સફારી સર્કલ ચાર રસ્તા પાસે પહોંચતા 2.50 કલાકે હીરણ નદીના પુલ તરફથી એક એકટીવા સ્કુટરને રોકાવી જોતાં આગેના ભાગે અંગ્રેજીમાં લાલ રેડ-બ્લ્યુ પટ્ટીમાં સ્ટીકર ઉપર પી લખેલ અને પાછળના ભાગે લાલ તથા બ્લ્યુ પટ્ટીમાં પોલીસ લખેલ સ્ટીકર જોવા મળ્યું હતું.
આ શખ્સને કઈ જગ્યાએ ફરજ બજાવે છે તે બબત પુછતા તેણે જણાવ્યું હતું કે તેનું નામ વસીમ ઈસ્માઈલ ભાદરકા (ઉ.વ. 32) છે અને પ્રભાસપાટણના ઘાંચીવાડામાં લુહાર શેરી રહે છે તથા ગેરેજ ચલાવે છે. પોતાને ગેરેજનો ધંધો હોવા છતાં પોતાના એકટીવા મોટર સાયકલમાં પોલીસ લખેલ જે બાબતે પુછપરછ કરતાં પ્રભાસપાટણ વિસ્તારમાં ડિમોલેશનનું કામ ચાલુ હોય જે પ્રતિબંધિત વિસ્તારમાં પોતાને જવા માટે કોઈ રોકે નહીં તે માટે પોલીસ લખાવ્યું છે. પોલીસે એકટીવા સ્કૂટર કબજે કરી શખ્સ સામે જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરી ગુનો દાખલ કરેલ છે.