શિવરાજપુરમાં યોજાયેલા કુસ્તી મેળામાં કુસ્તીબાજો મલ્લયુદ્ધના દાવ-પેચ રમ્યા
500 વર્ષથી ભાદરવી પૂનમે કુસ્તી મેળો યોજાય છે : દૂર - દૂરથી આવેલા 300 કુસ્તીબાજોએ શરીર સૌષ્ઠવ સાથે શારીરિક તાકાતના દર્શન કરાવ્યા
જામખંભાળીયા, : દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર ગામે કોમી એક્તા સ્વરૂપ જાકુબશા દાદાના ઉર્ષ નિમિતે દર ભાદરવી પૂનમ ના અહી મલ્લકુસ્તી જુનવાણી ઢબે યોજાય છે. અને ૫૦૦ વર્ષ થી યોજાતા આ મેળામાં ગ્રામ્ય લોકો ખુબજ ઉત્સાહથી કુસ્તી લડી આનંદ મેળવે છે. હિંદુ, મુસ્લિમ બંને કોમના લોકો અહીં જાકુબશા દાદાને શીશ ઝુકાવે છે.
દ્વારકાથી 10 કિ.મી. દુર આવેલું મુસ્લિમ સ્થાનક હિંદુઓનું પણ માનીતું સ્નાતક ગણાતું જાકુબશા દાદાની દરગાહે તેમના ઉર્ષ નિમિતે મેળો ભરાય છે અને દુરદુરથી અહીં આવીને મલ્લ કુસ્તીબાજો કુસ્તી લડે છે. ૨૦૦ જેટલા કુસ્તીબાજોનો અહી મેળાવડો જોવા મળે છે. અગાઉના વર્ષોમાં રાજા મહારાજાઓ પોતાના સૈન્યમાં ભરતી કરવા આવ કુસ્તી મેળા યોજતા અને સારા કુસ્તીબાજોને સૈન્યમાં ભરતી કરતા. ત્યારના સમયથી આ કુસ્તી મેળા અહી યોજાય છે. અને ગામ લોકો તરફથી વિજેતા કુસ્તીબાજોને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
કહેવાય છે કે અહીં આશરે 450 વર્ષ પહેલા ધર્મનિરપેક્ષ જાકુબશા દાદા થઇ ગયા. જેઓને બે ઘેટા હતા. આ ઘેટાઓ આજુબાજુના ખેડૂતોનો પાક ચરી જતા જાકુબશા પીરે બંને ઘેટાને પથ્થર બનાવી દેતા. આ પત્થર રૂપી ઘેટાઓ આજે પણ અહી પથ્થર રૂપે જોવા મળે છે. 80 થી 100 કિલો વજનના પથ્થરોને તે જ વ્યક્તિ માત્ર એક આંગળીથી ઉપાડી શકે જેના પર જાકુબશા દાદાની કૃપા હોય. પછી ભલે તે કુસ્તીબાજ પણ હોય. જો કૃપા ન હોય. તો તે ન ઉપાડી શકે. આ પથ્થર આ લોક વાયકાથી અનેક યુવાનો શ્રદ્ધાળુઓ આ પત્થરને ઉપાડવા પોતાની શ્રધ્ધા પુરવાર કરતા જોવા મળતા હોય છે.