વડોદરામાં સરદાર બાગ સ્વિમિંગ પૂલમાં ફરી લાખોના ખર્ચે રીપેરીંગ કામ કરવું પડે તેવી સ્થિતિ
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકનો સરદાર બાગ સ્વિમિંગપુલ ચાર પાંચ વર્ષથી બંધ હાલતમાં હતો અને ગયા વર્ષે રીપેરીંગ બાદ એપ્રિલ મહિનામાં ચાલુ કરાયો હતો. હવે ફરી પાછું તેમાં રીપેરીંગ કરવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. કારણ કે રીનોવેશનની કામગીરી પછી પણ સ્વિમિંગ પૂલમાં નીચે જમીનમાંથી પાણી ફુટી રહ્યા છે, અને સ્વિમિંગ પૂલમાં પાણી બેક મારે છે. હાલમાં સ્વિમિંગ પૂલમાં ઊંડાણવાળી જગ્યામાં ગંદુ પાણી ભરાયું છે અને તેમાં લીલ જામી ગઈ છે. સ્વિમિંગ પૂલની આસપાસ તળાવ હોવાથી પાણીનું ઝમણ થતું હોવાની સમસ્યા છે. જેના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે.
આ સ્વિમિંગ પૂલ વર્ષો જૂનો હોવાથી હવે તેનું આખું ફ્લોરિંગ તોડીને નવેસરથી આરસીસી વર્ક કરવું પડે તેવું છે. હજુ ગયા વર્ષે જ આશરે 80 લાખના ખર્ચે આરસીસી કામગીરી, ફિલ્ટરેશન ,નવી ટાઇલ્સ ફીટ કરવી અને રંગ રોગાનની કામગીરી કરવામાં આવી હતી. જોકે ઉનાળો આવે તે પૂર્વે કામ ચલાઉ ધોરણે રીપેરીંગ કામ કરી દેવાશે. જેથી ઉનાળામાં લોકો સ્વિમિંગનો લાભ લઈ શકે. હવે જે નવેસરથી કામગીરી કરવાની છે, તેની ટેન્ડર પ્રક્રિયા અને કામ પૂરું કરતા આશરે છ આઠ મહિનાનો સમય વીતી જાય તેમ છે. આમ, સરદાર બાગ સ્વિમિંગ પૂલમાં અગાઉ લાખોનો ખર્ચો કર્યા બાદ ફરી પાછું લાખોના ખર્ચે રીપેરીંગ કરવું પડશે, સ્વિમિંગ પૂલના ડાઈવીંગ પ્લેટફોર્મ ની હાલત પણ જર્જરીત છે અને તે પણ રીપેર કરવું પડે તેવી હાલતમાં છે.