Get The App

ગુજરાતની એક સમયની રાજધાનીના વારસાએ વિશ્વભરમાં વગાડ્યો ડંકો, તમે મુલાકાત લીધી કે નહીં?

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
ગુજરાતની એક સમયની રાજધાનીના વારસાએ વિશ્વભરમાં વગાડ્યો ડંકો, તમે મુલાકાત લીધી કે નહીં? 1 - image


World Heritage Week: ભારત સહિત વિશ્વભરમાં અનેક યાદગાર હેરિટેજ સાઈટ આવેલી છે. આ વારસો ફક્ત યાદ બનીને ન રહી જાય તે માટે દર વર્ષે યુનેસ્કો દ્વારા તા. 19 થી 25 નવેમ્બર દરમિયાન “વર્લ્ડ હેરિટેજ વીક”ની ઉજવણી કરવામાં આવે છે. ભારત દેશ તેની પ્રાચીન ધરોહર માટે વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. ભારતની સાથે ગુજરાત પણ પોતાના હેરિટેજ સ્થળો માટે વિશ્વ પ્રસિદ્ધ છે. ભારતની 43 હેરિટેજ સાઇટમાંથી ગુજરાતના ચાર સ્થળોનો સમાવેશ ‘UNESCO વર્લ્ડ હેરિટેજ સાઈટ’માં કરાયો છે. જેમાં ચાંપાનેર, રાણકી વાવ, કચ્છનું ધોળાવીરા તથા અમદાવાદ શહેરનો સમાવેશ થાય છે. 

છેલ્લાં બે વર્ષમાં 80 હજાર લોકોએ ચાંપાનેરની મુલાકાત લીધી

ચાંપાનેરને વર્ષ 2004માં UNESCO વિશ્વ હેરિટેજ સાઈટની યાદીમાં સ્થાન મળ્યું છે. ચાંપાનેર ગુજરાતનું પ્રથમ અને ભારતનું 26મું હેરિટેજ સ્થળ છે. યુનેસ્કોએ ચાંપાનેરના ભવ્ય ઐતિહાસિક વારસાને વિશ્વ વારસા સ્થળ તરીકે જાહેર કરી આ ભવ્ય વિરાસતને વધુ વિશ્વ પ્રસિદ્ધ કરી છે. છેલ્લા બે વર્ષમાં આશરે 80 હજારથી વધુ મુલાકાતીઓએ ચાંપાનેરની મુલાકાત લીધી છે.

આ પણ વાંચોઃ અમરેલીમાં ઝેરી મધમાખીએ એક પરિવાર પર કર્યો હુમલો, 2 બાળકો સહિત 4 લોકો ઈજાગ્રસ્ત

ચાંપાનેરની વિશેષતા

પંચમહાલ જિલ્‍લામાં આવેલું ચાંપાનેર એક ઐતિહાસિક નગર છે. એક સમયે ચાંપાનેર ગુજરાતની રાજધાની હતું. તત્કાલિન સમયમાં આ ભવ્ય નગરની અનન્ય જાહોજલાલી હતી. ફકત ભારતમાં જ નહીં, દૂર-દૂરના દેશોમાં પણ ચાંપાનેરની ખ્યાતિ ભવ્ય હતી. હિન્દુ, મુસ્લિમ, મરાઠા અને અંગ્રેજ શાસકોએ ચાંપાનેર પર શાસન કર્યું હતું. પૃથ્વીરાજ ચૌહાણના વંશજ ચૌહાણ રાજપૂતોએ ચાંપાનેરને પાટનગર બનાવી તેના વિકાસ માટે બંધાવેલું સ્મારકો તથા મુસ્લિમ શાસક મહોમ્મદ બેગડાએ બંધાવેલા મહેલો અને મસ્જીદોનું સ્થાપત્ય સિવિલ અન્જિન્યરિંગનું અદ્ભૂત ઉદાહરણ છે. દર વર્ષે હજારોની સંખ્યામાં દેશ-વિદેશના પર્યટકો ઉચ્ચ કક્ષાના બેનમૂન આર્કિટેકને સમજવા-જાણવા માટે અહીં આવે છે. મુસ્લિમ શાસકોએ બંધાવેલા સ્મારકમાં હિન્દુ-જૈન સ્થાપત્યનો સુભગ સમન્વય પણ અહીં જોવા મળે છે.

ચાંપાનેરનું શાનદાર કોતરણી કામ

ચાંપાનેરના શાહી કિલ્લાની બહાર જુમ્મા મસ્જિદની ભવ્ય ઈમારતની સુવ્યવસ્થિત રચનાનાં વિવિધ અંગો ભારતીય-ઇસ્લામિક સુશોભનોથી આગવું મહત્ત્વ ધરાવે છે. તેના પાંચ મનોહર પ્રવેશદ્વારો સુશોભિત કોતરણીથી અનેરું આકર્ષણ ઊભું કરે છે. તેના મકસુરાની પાંચ ક્માનો પાસેના છજા, સુંદર મિનારા અને મુખ્ય કમાન પાસેનું છજું તેની શોભામાં વધારો કરે છે. સુલતાનની રાજધાની અને નિવાસસ્થાન તરીકે ચાંપાનેરનું મહત્ત્વ જામા મસ્જિદમાં શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવ્યું છે, જે ભારતમાં પાછળથી મસ્જિદ આર્કિટેક્ચરનું મોડેલ બન્યું. આ ઉપરાંત ત્યાં આવેલી નગીના મસ્જિદ અને તેની પાસેનો સુશોભિત મકબરો, કેવડા મસ્જિદ, શહેરની મસ્જિદ, લીલા ગુંબજ મસ્જિદ વગેરે સ્થળો પણ પોત-પોતાની આગવી લાક્ષણિકતા ધરાવે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો, સરકારી બાબુ હોવાની ઓળખ આપી લાખોની ઠગાઈ કરી

ધાર્મિક સ્થળોનું ત્રિવેણી સંગમ   

ચાંપાનેર હિન્દુ, જૈન અને મુસ્લિમ ધર્મોના ત્રિવેણી સંગમ જેવું છે. માતા મહાકાલીના મંદિર સાથે રૂદ્રાવતાર લકુલીશ મંદિર, જૈન મંદિરો અને મસ્જિદોને પોતાના ખોળે સમાવતું આ સ્થળ ધાર્મિક સાથે પ્રાકૃતિક સૌદર્યનું પણ ધામ છે.


Google NewsGoogle News