ભાવનગર યાર્ડમાં શ્રમિકોની હડતાલ : ડુંગળીની હરાજી ઠપ
વાહન ચાલકે શ્રમિક સાથે ગેરવર્તન કર્યાની જાણ શ્રમિકોને થતા
યાર્ડમાં ડુંગળીના ૨૦ હજાર થેલા પડયા હતા અને વધુ ૬૦ હજાર ઉમેરાતા ડુંગળીના થેલાના થપ્પા લાગ્યા ઃ યાર્ડે મધ્યસ્થી કરતા મામલો થાળે, આજથી હરાજી થશે
યાર્ડના વિશ્વસનીય વર્તુળોના જણાવ્યા મુજબ શહેરના ચિત્રા સ્થિત માર્કેટિંગ યાર્ડમાં વાહન ચાલકે ગઈ કાલે રાત્રે શ્રમિક સાથે ગેરવર્તન કર્યું હોવાની જાણ શ્રમિકોેને થતા શ્રમિકોએ આજે વાહનમાંથી માલ ઉતારવાનું અને વાહનમાં માલ ચડાવવાનું બંધ રાખ્યું હતું. આમ, શ્રમિકો કામથી અળગા રહ્યા હતા. યાર્ડમાં અંદાજે ૪૦૦ જેટલા શ્રમિક હોવાનું જાણવા મળ્યું હતું. શ્રમિકોની આ હડતાલના પગલે વેપારીઓનો માલ પણ વાહનમાં ભરાયો નહોતો. જેના કારણે કામકાજ ઠપ થઈ ગયું હતું.
હાલ ભાવનગર યાર્ડમાં ભાવનગર જિલ્લા ઉપરાંત બોટાદ સહિતના અન્ય જિલ્લામાંથી ડુંગળીની મોટા પાયે આવક થઈ રહી છે. ગઈ કાલે ડુંગળીના ૨૦ હજાર થેલા પેન્ડીંગ રહ્યા હતા અને આજે વધુ ૬૦ હજાર થેલા ઉમેરાયા હતા. જેના પગલે યાર્ડમાં ડુંગળીના થપ્પા લાગી ગયા હતા.
અલબત્ત, આજે યાર્ડે મધ્યસ્થી કરતા સમગ્ર મામલો થાળે પડયો હતો. જેથી આવતીકાલ તા.૩ને શુક્રવારથી હરાજી કાર્ય રાબેતા મુજબ થશે તેમ વર્તુળોએ ઉમેર્યું હતું.