શેઠની શીખામણ ઝાંપા સુધી... સચિવાલયમાં જ સરકારી પરિપત્રનું ઉલ્લંઘન, ધોમધખતા તાપમાં શ્રમિકો પાસે કરાવાય છે કામ
Gandhinagar News : ગુજરાતના અનેક જિલ્લામાં આગ ઝરતી ગરમીના કારણે એપ્રિલ મહિનામાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં સરેરાશ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર વધી રહ્યો છે, ત્યારે બે દિવસ પહેલા રાજ્ય સરકારની શ્રમ આયોગની કચેરી દ્વારા શ્રમિકોને બપોરે 1થી 4 વાગ્યામાં કામ નહીં કરાવવાનો આદેશ આપ્યો હતો. જ્યારે આજે સોમવારે (14 એપ્રિલ, 2025) ગાંધીનગરના જૂના સચિવાલયમાં શ્રમિકો ધોમધખતા તાપમાં કામ કરતા જોવા મળ્યા છે.
સરકારના સરકારી વિભાગ દ્વારા જ નિયમોનો છડે ચોક ભંગ થઈ રહ્યો છે. ગુજરાતી કહેવત છે કે 'શેઠની શીખામણ ઝાંપા સુધી..' પરંતુ અહીં તો 'સરકારની શીખામણ સચિવાલય' સુધી પણ માનવામાં આવતી નથી. સામાન્ય જનતાને વ્હાલા થવા અને શ્રમિકોની નજરમાં સારા દેખાવવા માટે આ પ્રકારના નોટિફિકેશન બહાર પાડી શ્રમિકોની ચિંતા હોય એવું બતાવવામાં આવે છે. પરંતુ રોજ મજૂરી કરીને રોજ પેટિયું રળતાં મજૂરોને સચિવાલયમાં જ બપોરના સમયે મજૂરી કરાવવામાં આવતી હોય ત્યારે ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટ પર કોણ બપોરના સમયે કામ ન કરવાના નિયમનું પાલન કરશે.
ગાંધીનગરના જૂના સચિવાલયમાં સરકારના નિયમનો ભંગ
રાજ્યના શ્રમ વિભાગના નિયમનો ગાંધીનગરમાં જ ભંગ થઈ રહ્યો હોવાના દૃશ્યો સામે આવ્યા છે. બે દિવસ પહેલાં જ બપોરના 1થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન શ્રમિકોને કામ ન કરાવવા મામલે પરિપત્ર બહાર પાડ્યો હતો. જ્યારે શ્રમ આયોગના પરિપત્રનો સરકારના નાક નીચે જ ભંગ થતો જોવા મળ્યો છે. જેમાં 41 ડિગ્રી તાપમાન વચ્ચે સરકારી પ્રોજેક્ટમાં ભર તડકામાં શ્રમિકો કામ કરતાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં શ્રમિકો પાસે બપોરે 1થી 4 કામ નહીં કરાવી શકાય, આકરી ગરમીના કારણે સરકારનો આદેશ
જૂના સચિવાલયના પ્રોજેક્ટના નિર્માણ કાર્યમાં સરકારના પરિપત્રના ધજાગરા ઉડાવીને ગાંધીનગર સ્થિત જૂના સચિવાલયમાં સરકારી પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરો નિયમોનો ભંગ કરીને ધગધગતા તાપ વચ્ચે ખુલ્લામાં શ્રમિકો પાસેથી કામ કરાવી રહ્યા હતા. સરકારી પરિપત્રનો ભંગ કરનાર કોન્ટ્રાક્ટર સામે શું સરકાર કોઈ કાર્યવાહી કરશે? શું મજૂરો માટે ગરમીમાં રાહત મળે તેવી કોઈ વ્યવસ્થા કરાઈ છે કે નહીં તેનું આ સાઇટ પર ધ્યાન રાખવામાં આવ્યું છે કે નહીં તેની તપાસ થશે?