લાલપુરના નાંદુરી ગામમાં ટ્રેક્ટર પલટી ખાઈ જતાં અંદર બેઠેલા શ્રમિકનું અંતરિયાળ મૃત્યુ : અન્ય બે શ્રમિક ઘાયલ
Jamnagar Accident : જામનગર જિલ્લાના લાલપુરમાં નાંદુરી રોડ પર એક ટ્રેક્ટર તેના ચાલકની બેદરકારીના કારણે પલટી મારી ગયું હતું, જે અકસ્માતમાં ટ્રેકટરની અંદર બેઠેલા એક શ્રમિક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જયારે અન્ય બે શ્રમિકો ઘાયલ થયા છે. પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના જાંબુવાના વતની અને હાલ લાલપુર તાલુકાના નાંદૂરી ગામમાં રહીને મજૂરી કામ કરતા મુકેશ રમેશભાઈ વાસકેલા નામનો 30 વર્ષનો શ્રમિક યુવાન ગઈકાલે જી.જે. 17 ડી.5482 નંબરના ટ્રેક્ટરમાં બેસીને અન્ય શ્રમિકો સાથે હટાણું કરવા માટે જઈ રહ્યા હતા, જે દરમિયાન નાંદુરી ગામની સ્કૂલ પાસે એકાએક ટ્રેક્ટર પલટી મારી ગયું હતું.
જે અકસ્માતમાં મુકેશ વાશકેલા (ઉમર 30) ને ગંભીર ઇજા થવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત તેની સાથે બેઠેલા રાકેશ અને અનિલ નામના અન્ય બે શ્રમિક યુવાનો ઘાયલ થયા છે, અને તેઓને લાલપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં મૃતક મુકેશના ભાઈ કમલેશભાઈ રમેશભાઈ વાશકેલા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને સમગ્ર બનાવ મામલે લાલપુર પોલીસને જાણ કરતાં લાલપુરના પી.એસ.આઇ. એસ.પી.ગોહિલ અને એ.એસ.આઈ. એ.એમ.જાડેજા પોતાની ટીમ સાથે બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૃતકના ભાઈ કમલેશ વાશકેલાની ફરિયાદના આધારે ટ્રેક્ટરના ચાલક દીવાનભાઈ સામે ગુનો નોંધ્યો છે, અને ટ્રેક્ટર કબજે કર્યું છે. જે આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.
મૃતક યુવાન કે જે પોતાના માસુમ ચાર સંતાનો સાથે પરિવારનું ગુજરાન ચલાવતો હતો, અને તેના મૃત્યુથી ચારેય સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું છે, તેથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.