વડોદરામાં રામનાથ અને વાંસ તળાવ ઊંડું કરવાની કામગીરી શરૂ કરાઈ
Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે રામનાથ તળાવ અને વાંસ તળાવ ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકના હસ્તે કરવામાં આવ્યું હતું. રાવપુરા વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નંબર 14માં રામનાથ તળાવ વડોદરાનું પૌરાણિક તળાવ છે. જે 20,000 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલું છે. અહીં કોર્પોરેશન દ્વારા 3.56 કરોડના ખર્ચે નવીનીકરણ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે સીએસઆર ફંડ હેઠળ આ તળાવને ઊંડું કરવાની કામગીરી આજથી શરૂ થઈ છે.
દોઢ બે મહિનામાં કામ પૂરું થશે. અહીંથી 40,000 ઘન મીટર માટી કાઢવામાં આવશે. તળાવ ઊંડું થતાં 4 કરોડ લિટર પાણી વધુ ભરાઈ શકશે. અહીં નજીકમાં આવેલા દત્તનગર, વિહાર કુંજ વગેરે નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી વરસાદી કાસમાં જવા વ્યવસ્થા નહીં હોય તો તેના માટે આઉટલેટની પણ વ્યવસ્થા કરાશે. જેથી કરીને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ન રહે. તળાવ ઊંડું થવાથી પાણી ભરાતા ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે, એમ દંડક બાળુ શુકલએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે વોર્ડ નંબર 16 માં આવેલું વાંસ તળાવ 74,600 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલું છે, અહીંથી 1 લાખ ઘન મીટર માટી બહાર કાઢી તળાવ ઊંડું કરાશે. જે કામ ચોમાસા પહેલા પૂર્ણ થતા તળાવમાં 10 કરોડ લિટર પાણીનો સંગ્રહ થઈ શકશે, અને નજીકના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો પણ ઓછો થશે.