Get The App

છ રોડ પર નવી મુખ્ય ગટર લાઇન નાંખવાનું કામ એક સપ્તાહથી બંધ

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
છ રોડ પર નવી મુખ્ય ગટર લાઇન નાંખવાનું કામ એક સપ્તાહથી બંધ 1 - image


ગાંધીનગરમાં મેટ્રોના કોન્ટ્રાક્ટર, સુપરવાઇઝરની દખલગીરી

મેટ્રો કંપનીને ફરિયાદ કરાઇ ઃ થોડા સમય પહેલાં જ ખ રોડ પર મહાત્મા મંદિર પાસે મેટ્રોની કામગીરી દરમિયાન ગટર લાઇન તોડી નાંખી હતી

ગાંધીનગર :  ગાંધીનગરના રહેવાસી મેટ્રો ટ્રેનની સુવિધાથી ખુશ છે. પરંતુ તેની કામગીરી કરતાં કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝર દ્વારા દખલગીરી કરીને આવશ્યક સેવા એવી નવી મુખ્ય ગટર લાઇન નાંખવાનું કામ એક સપ્તાહથી બંધ કરાવી દેવામાં આવ્યું છે. છ રોડ પર જે કામ બંધ કરાવાયું છે, તે મેઇન લાઇનનું હોવાથી સમયસર કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી ચોમાસામાં સમસ્યા થાય તેમ હોવાથી પાટનગર યોજના વિભાગે આ મુદ્દે મેટ્રો કંપનીને લેખિત ફરિયાદ કરી છે.

ગંદા પાણીના નિકાલ માટે પાટનગરમાં નવેસરથી નેટવર્ક સ્થાપવાની યોજના રૃપિયા ૨૫૦ કરોડના ખર્ચે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરવામાં આવી છે. પરંતુ તેની કામગીરી પુરી કરવામાં વ્યાપક વિલંબ થવાથી નગરવાસીઓ ભારે હાલાકી વેઠી રહ્યાં છે. હવે નવા વર્ષમાં આ કામગીરી પુરી કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામ શરૃ કરાવાયા છે. પરંતુ સેક્ટરો સહિત વિસ્તારોમાં જ્યાં પણ મેટ્રો ટ્રેન સંબંધેની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યાં રાજ્યના અન્ય સંબંધિત તંત્રો પારાવાર પરેશાની ઉઠાવી રહ્યાં છે. હજુ થોડા સમય પહેલાં જ ખ રોડ પર મહાત્મા મંદિર પાસે મેટ્રોની કામગીરી દરમિયાન ગટર લાઇન તોડી નાંખવામાં આવી હતી. જેનું સમારકામ કરવામાં ઇજનેરોને દિવસે તારા દેખાઇ ગયા હતાં. હવે મુખ્ય માર્ગ પૈકીના છ રોડ પર કે જ્યાંથી વીઆઇપી મુવમેન્ટ પણ રહે છે. ત્યાં મેર્ટોનું કામ ચાલતું હોવાથી ગટરની લાઇન નાંખવાની કામગીરી બંધ કરાવી દેવામાં આવી છે. પરિણામે તંત્ર અને કોન્ટ્રાક્ટર્સની મશીનરી પણ ફોગટની પડી રહેવાથી તેના ડેમરેજ ચઢવા લાગ્યાં છે.


Google NewsGoogle News