Get The App

ધારાસભ્ય પ્રવીણ માળીની પજવણીથી કંટાળી રાજીનામું આપ્યું હોવાનો મહિલા પ્રમુખનો આક્ષેપ

Updated: Dec 5th, 2024


Google NewsGoogle News
ધારાસભ્ય પ્રવીણ માળીની પજવણીથી કંટાળી રાજીનામું આપ્યું હોવાનો મહિલા પ્રમુખનો આક્ષેપ 1 - image


Deesa Nagarpalika Controvosry: ડીસા નગરપાલિકામાં સત્તાધીશ ભાજપના ચૂંટાયેલા નગરસેવકો  છેલ્લા ઘણા સમયથી બે જૂથોમાં વહેંચાયા હતા. સ્થાનિક ધારાસભ્ય સમર્થિત એક જૂથ પાલિકાના મહિલા પ્રમુખથી કાર્ય પઘ્ધતિના મામલે વિરોધ દર્શાવીને તેઓના રાજીનામાની માંગણી કરી રહ્યા હતા. દરમિયાન ભાજપના ચૂંટાયેલા નગરસેવકોના એક જૂથ દ્વારા પાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી હતી. 

આ દરખાસ્ત ઉપર કોઈ નિર્ણય થાય તે પહેલાં જ પાલિકાના મહિલા પ્રમુખે પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દેતાં રાજકીય તર્કવિતર્ક સર્જાયા છે. જોકે, ભાજપની આંતરિક જૂથબંધીને લીધે પ્રમુખપદ ગુમાવનાર  સંગીતાબેને રાજીનામું આપતા પહેલા  ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળી ઉપર તેમની પજવણી, માનસિક ત્રાસ તથા ધમકીઓ અપાતી હોવા સહિતના ગંભીર આક્ષેપ કરતાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. 

પાલિકામાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો

ડીસા નગરપાલિકામાં સત્તાધીશોમાં  રાજકીય વિખવાદ છેલ્લા ઘણા માસથી ચાલી રહ્યો છે.2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપના સંગઠનમાં સમીકરણો બદલાયા હતા.  ડીસા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય પ્રવિણ માળી અને પૂર્વ ધારાસભ્ય  શશીકાંત પંડ્યાના સમર્થક પાલિકાના નગરસેવકો અને પક્ષના કાર્યકરોમાં બે ઉભા ફાડિયા પડ્યા હતા.

આ વિવાદ સતત વકરતો ગયો અને થોડા સમય અગાઉ ભાજપના 17 જેટલા સદસ્યોએ ચેરમેન પદથી રાજીનામાં પણ આપ્યા હતા. પાલિકામાં ચૂંટાયેલા ભાજપના નગરસેવકોમાં સર્જાયેલ જૂથવાદ  ઠારવા માટે પ્રદેશ  મોવડી મંડળે ડેમેજ કંટ્રોલ કરવાની  મથામણ પણ કરી હતી.પરંતુ ભાજપનો જ એક જૂથ પાલિકા પ્રમુખ સંગીતા દવેને હટાવવા અડગ રહેતા જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યું હતું. દરમિયાન, મંગળવારે પાલિકા પ્રમુખ સંગીતાબેન વિરુદ્ધમાં 27 જેટલા સદસ્યોએ આ વિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. 

આ 27 સદસ્યોમાં બાર જેટલા સદસ્યો ભાજપ સમર્પિત 3 અને 5 અપક્ષ સદસ્યોએ સહી કરી હતી. ત્યારબાજ પ્રદેશ નેતૃત્વની દરમિયાનગીરી થતા આખરે   સંગીતા  દવેએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. આ હાઈવોલ્ટેજ ડ્રામામાં સંગીતાબેન દવેએ વડાપ્રધાન, રાજયના મુખ્યમંત્રી  અને ભાજપના પ્રદેશ પ્રમુખને સંબોધીને લખેલા એક પત્રમાં પોતાની વેદના ઠાલવીને સ્ફોટક મુદ્દાઓ રજૂ કર્યા છે. જેમાં તેમણે ડીસાના ભાજપના ધારાસભ્ય પ્રવિણ માળી ઉપર ગંભીર આક્ષેપો કરતાં રાજકીય ગરમાવો આવ્યો છે. 

વિદાય લેતા મહિલા પ્રમુખના લેટર બોમ્બમાં  આક્ષેપો

પ્રમુખપદેથી રાજીમાનું ધરી દેનાર સંગીતા દવેએ પોતાના લેટર બેમ્બમાં ઉઠાવેલા મુદ્દાઓમાં તેઓએ  ગેરકાયદેસર શોપિંગ સેન્ટરો અને બાંધકામોમાં નિયમ વિરુદ્ધ કામ કરવા, અમુક સર્વે નંબરવાળા ખેતરમાંજ કેમ ટી.પી સ્કીમ લાગુ થાય તે માટે દબાણ, અગાઉ રદ કરેલી  વિવાદિત ટીપી સ્કીમ લાગુ કરવા સહિતના વારંવાર દબાણો ભાજપના ધારાસભ્ય પ્રવિણ માળી અને તેમના ટેકેદારો દ્વારા કરાતા હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે.  ડીસાનું અહિત તેમજ પક્ષ કે સરકાર બદનામ થાય તેવું ન થાય તે માટે  હું ધારાસભ્ય પ્રવીણ માળીના ખોટા કામોને પ્રોત્સાહન આપી શકું તેમ નથી તેમ જણાવ્યું હતું.

અવિશ્વાસની દરખાસ્તમાં 27 નગરસેવકોના હસ્તાક્ષર

ડીસા નગરપાલિકામાં સત્તાધારી ભાજપના નગરસેવકો ઘણા સમયથી વર્તમાન અને પૂર્વ ધારાસભ્યના બે જૂથોમાં સ્પષ્ટ રીતે વહેંચાયા હતા. જેના લીધે વહિવટમાં પણ જૂથવાદની અસર જોવા મળી  રહી હતી. અગાઉ વિવિધ સમિતાઓના ચેરમેન તેમજ હોદ્દેદારોએ રાજીનામા આપીને પક્ષના સંગઠન ઉપર મહિલા પ્રમુખને હટાવવા માટેનો દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ આ જૂથ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવતાં તેમાં ભાજપના 12, ભાજપ સમર્થિત 3 અને પાંચ અપક્ષ સહિત 27 નગરસેવકોએ હસ્તાક્ષર કર્યા હતા.

પ્રમુખ પદ માટે ભાજપના બે મહિલા કોર્પોરેટરોનું લોબીંગ 

ડીસા પાલિકાના પ્રમુખ પદેથી સંગીતાબેન દવેનુ રાજીનામું અપાતાં હવે ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરોનુ લોબિંગ શરૂ થયું છે. જેમાં નીતાબેન નિલેશભાઈ ઠકકર તેમજ ભારતીબેન ભરતભાઈ પટેલનું નામ ચર્ચિત બન્યું છે.


Google NewsGoogle News