વડોદરામાં પૂરની સહાયમાં વ્હાલાં દવલાની નીતિ : લોકોના આક્રોશનો મહિલા ધારાસભ્ય-કૉર્પોરેટરો બન્યા ભોગ
Vadodara News : વડોદરા શહેરમાં પૂર્વ અને ઉત્તર ઝોનના યોજાયેલા સેવાસેતુના કાર્યક્રમ બાદ સ્થાનિક રહીશોએ ભાજપના કૉર્પોરેટર નૈતિક શાહ સમક્ષ સહાય નહીં મળવા મુદ્દે રજૂઆત કરતા હતા, તે બાદ મનીષાબહેન વકીલ અને અન્ય આગેવાનો પાસે પણ ઉગ્ર રજૂઆતો કરી સહાય નહીં મળ્યાની ફરિયાદો કરી હતી અને આક્ષેપ કર્યા હતા કે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ મનમાની રીતે સરકારી કર્મચારીઓનો ઉપયોગ કરી સર્વે કરાવી રહ્યા છે અને અમારા વિસ્તારમાં સર્વે કરવા દેતા નથી.
કૉર્પોરેશન દ્વારા આજે વૉર્ડ નંબર 5ના વિસ્તારમાં સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વિધાનસભાના દંડક બાળુ શુક્લ શહેર વાડીના ધારાસભ્ય મનીષાબહેન વકીલ સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ સ્થાનિક રહીશોએ ઉપસ્થિત કૉર્પોરેટર નૈતિક શાહ સમક્ષ પૂરના પાણી ભરાયા પછી સહાય મળી નથી તે અંગે ફરિયાદ કરતા હતા ત્યારે કાર્યક્રમ સમાપ્ત થતાંની સાથે જ ધારાસભ્ય અને અન્ય કૉર્પોરેટરોને ઘેરાવો કરી સ્થાનિક રહીશોએ ઉગ્ર રજૂઆતો કરી હતી અને કૉર્પોરેટરો દેખાતા નથી તેઓ પણ આક્ષેપ કર્યો હતો.
સ્થાનિક રહીશ કમલેશભાઈએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના જ વોર્ડ કક્ષાના કેટલાક કાર્યકર્તાઓ સરકારી કર્મચારીઓને સાથે રાખી કયા વિસ્તારનો સર્વે કરવાનો હોય છે તે જણાવે છે અને અમારા વિસ્તારનો સર્વે નહીં કરવાનું જણાવ્યું હતું. જેથી ભાજપના તરફથી કોઈ સહાય આપવાની નથી. આ સરકારી સહાય છે છતાં પણ વ્હાલાં દવલાની નીતિ અપનાવવામાં આવે છે તે યોગ્ય નથી.
લોકોનો આક્રોશ જોઈને કેટલાક નેતાઓ તો ચુપકીદી સેવીને નીકળી ગયા હતા જ્યારે ધારાસભ્ય અને અન્ય કૉર્પોરેટર લોકોના રોષનો ભોગ બન્યા હતા. આખરે તેઓ જે વિસ્તારમાં સર્વે થયો નથી અને સહાય મળી નથી તેવા મકાનોની મુલાકાત લીધી હતી અને લોકોની વેદના સાંભળી હતી. તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરી આ વિસ્તારનો સર્વે કરી સહાય આપવા જણાવવામાં આવ્યું હતું જેથી મામલો શાંત પડ્યો હતો.